પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીપતરામ માસ્તર
11
 


નિરંજનને તે દિવસે પહેલી જ વાર જમતાં જમતાં કોળિયામાં કાંકરો આવ્યા જેવું લાગ્યું. આ દીવાનસાહેબને પોતે સોળ વર્ષની ઉંમરે જ્યારે પહેલી વાર સલામ કરવા ગયો હતો ત્યારે પોતે અમુક વાક્યો ગોઠવીને ગયેલાનું એને યાદ આવ્યું: “ઇઝ યોર ઓનર્સ હેલ્થ ઑલરાઇટ?” 'યોર ઓનર' શબ્દો પ્રત્યેક વાક્યમાં એ ઉલટાવીસુલટાવીને બોલ્યો હતો. અને દીવાનસાહેબે ખુરસી પર બેસવા કહ્યું છતાં પોતે વિનય સાચવવા ખાતર જાજમ પર જ બેઠો હતો. આવ્યો ત્યારે, તેમ જ ગયો ત્યારે, દીવાનસાહેબના ઘૂંટણોને અડકીને પોતે નમન કર્યા હતાં.

એ જ દીવાનસાહેબને આજે એક વધુ વાર મળવાનું છે; આજના મેળાપ ઉપર નોકરીનો આધાર છે; પણ કમરનાં હાડકાંના કૂણા પડી ગયેલા મકોડામાં આજે થોડી કડકાઈ, થોડો સોજો પેઠાં છે. દીવાનસાહેબના ખોળામાં આજે હું ઝૂકવા જઈશ તો દીપશે કે કેમ? 'યોર ઓનર' ('આપ નામદાર') શબ્દ મારા ગળામાંથી નીકળી શકશે કે કેમ? શંકા પડવા લાગી. સુનીલાની તિરસ્કારયુક્ત મુખમુદ્રા પોતાની સામે તરવરી ઊઠી. એ તિરસ્કારમાં લાગણીની ધાર હતી. એ તિરસ્કારની છૂરીને સુનીલાએ આજની ઘટના ઉપર ઘસીને શાનદાર બનાવી હતી.

સુનીલા મને દીવાનના ચરણોમાં ઝૂકતો જુએ તો શું કહે? શું ધારે? પણ સુનીલાની અભિપ્રાયબુદ્ધિને ત્રાજવે હું આજે શા માટે મારા આચારવિચારને તોળવા બેઠો છું? એને ને મારે શું? મારી માતા શું ધારશે, પિતા શું ધારશે, બહુ બહુ તો પ્રભુ શું ધારશે, એ પ્રશ્ન બેશક વાજબી છે; પણ સુનીલા શું ધારશે એટલે?

પોતે પોતાની જ મૂર્ખાઈ પર હસ્યો. એ હાસ્યનાં ચાંદૂડિયાં પાડનાર નાનો અરીસો ભીંત પર બરાબર સામે જ લટકતો હતો.

અરીસામાં ઊભેલી આકૃતિ એમ કહેતી હતી કે, ઓ યાર ! સુનીલા શું ધારશે, એ પ્રશ્ન કંઈ આજે પહેલવહેલો જ નથી છેડાયો. ને પ્રભુ શું ધારશે, એ પ્રશ્ન તો જીવનનો નથી, મૃત્યકાળનો છે. જીવનને લગતી હરએક સ્થિતિના પ્રશ્નો તો આપણને આપણી પ્રત્યેકની સુનીલાઓ જ