પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
204
નિરંજન
 

જાણે કોઈ શિખર પર બેઠી બેઠી બોલતી હતી.

“તમારે છે કબૂલ?” સરયુએ સામાં નેત્રો માંડીને પૂછ્યું.

"હમણાં જ આ પળે ઘેર તેડી જવા તૈયાર છું.”

સરયુ હસીઃ “પહેલાં મારે પહેરવા એક જોડ કપડાંની તો લઈ આવો !”

"સાચું, એ તો ભૂલી ગયો હતો.”

"આખાં ને આખાં માણસ તો નહીં ભુલાય ને?”

નિરંજનનો આવેશ ન શમી શક્યો. એનું શરીર સરયુની નજીક ધસવા ગયું.

“વાર છે વાર હજુ! એક જોડ કપડાં અને સૌભાગ્યની ચૂડલી લઈ આવો.” કહીને સરયુ બાજુના ખંડમાં જતી રહી.

“કાં?” દીવાન બહારથી મોટા સાદે બોલતા બોલતા આવ્યા નિરંજનને એકલો જોયો, પૂછ્યું: “કેમ, કાંઈ બખડજંતર તો નથી થયું ને? ક્યાં ગઈ સરયુ ?"

નિરંજનને હસવું રૂંધવાનો જેટલો પ્રયત્ન તે વખતે કરવો પડ્યો તેટલો અગાઉ કદી નહોતો કરવો પડ્યો.

પાંચ જ દિવસ પછી પિતાના તમામ કોડને રૂંધી નાખી, સાચેસાચ નિરંજને જ લાવી આપેલ કપડાંભેર સરયુએ સપ્તપદીમાં પ્રવેશ કર્યો. છઠે દિવસે એ ઓસમાનકાકાના ટપ્પામાં શ્રીપતરામભાઈને ઘેર આવી.

એ પોતાના ચરણોમાં પડતી પુત્રવધૂને ડોસા આશીર્વાદ પણ પૂરો કેવી રીતે થઈ શકે? શબ્દો એના કંઠમાં જ સમાયા: “મારી – મારી મારી રેવા પાછી આવ..”

*

ગંભીર નિરંજન ઘરમાં એકાએક રમૂજી, રંગીલો, તરવરિયો બન્યો. આઠેક દિવસમાં એની આનંદ-ઔષધિએ માને ટટ્ટાર બનાવી. પિતાનેય નવશક્તિ આપી.

સરયુએ કહ્યું: “હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ.”