પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
206
નિરંજન
 

એણે ધૂળ નાખી છે.”

"શું છે, ઓસમાન?” ડોસાએ પથારીમાંથી માયાળુ અવાજે પૂછ્યું.

“એ કરતાં તો મારી કબરમાં ધૂળ વાળવા આવવું'તુંને? મને, તેં ડોસી! તેં મને દૈત્ય કહ્યો? તારો રંડાપો ખરીદીને મેં તને રૂપિયા આપ્યા? ધિક્કાર છે, બાઈ! તેં મને ખોટ ખવરાવી.”

સમજ ન પડવાથી સરયુ થરથરતી થંભી રહી હતી. નિરંજન સમજાવતો હતો: “પણ કાકા...”

“આ જો તારી જનેતાનું પરાક્રમ,” કહીને ઓસમાને મંગળસૂત્ર બહાર કાઢ્યું. “એલા ડોસા, મારે માથે આવડું વેર વળાવ્યું?”

શ્રીપતરામ પડ્યા પડ્યા હસ્યા.

“આંહીં આવે, ક્યાં ગઈ મારી દીકરી, સૈરુ?”

નિરંજને સરયુને ઇશારત કરી બહાર બોલાવી.

“આંહીં આવ, મારી બેટી. મારી થડમાં આવ.” ઓસમાને કહ્યું. સરયુને ગભરાટ હતો. એ નજીક ગઈ.

"આંહીં આવ. હું દીપડો નથી, બાઈ! હું મુસલમાન છું. મારે માથે અલ્લા છે, ને ઈમાન પણ છે. બેટા મારા! તમે હિંદુ તમારાં મંગળસૂતર તો સૂવરનો બચ્યો હોય તે જ વેચાવે. લે મારી બેટી.” એટલું કહીને ઓસમાનના ધ્રુજતા હાથ સરયુના માથા તરફ ઊંચા થયા. મંગળસૂત્ર સરયુની ડોકમાં પડ્યું.

ઓસમાનડોસો પરસાળની કોર પર બેસી ગયો.

તુળસીનો છોડ બાજુમાં જ ઝૂલી રહ્યો હતો. એની મંજરીઓ ઓસમાનના દેહને સ્પર્શી રહી.


* * *