પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
12
નિરંજન
 

પૂછતી હોય છે. એટલે કે કપડાં મેલાં હોય, હજામત વધી હોય, ડુંગળી કે લસણ ખવાઈ ગયું હોય, એકાંતેય અનુચિત શબ્દ બોલી જવાયો હોય, અરે, ટ્રામમાં કે ટ્રેનમાં કોઈની જોડે લડી ઊઠતાં બાયલાઈ બતાવી હોય, તો મનમાં ફાળ એ પડે છે, કે મારી – એ શું ધારશે?

દીવાનસાહેબને મળવા તો જવું જ જોશે. રજવાડાના જૂના પેન્શનર શ્રીપતરામ માસ્તરનો પુત્ર સ્કોલરશિપના ટેકા વગર વિદ્યાનો પહાડ ઓળંગી શકવાનો નહોતો.

સરસ્વતીના શિર ઉપર સર્જનહારે ડાબા હાથના આશીર્વાદ મૂક્યા છે. શ્રીપતરામ માસ્તરે પચીસ વર્ષ સુધી ગુજરાતી શાળા ભણાવ્યા પછી મેળવ્યાં હતાં બે વાનાં: વિનયવંત હોશિયારીનું એક સર્ટિફિકેટ: ને બીજું એક મિથ્યાભિમાન કે, અમુક દાક્તરસાહેબ અને અમુક કારભારીસાહેબ, ફલાણા રાષ્ટ્રનેતા અને ઢીંકણા પત્રકાર વગેરે બધા તો મારા નિશાળિયા હતા. પોતાને પાંખિયાં વગરની સ્લેટ મારીને ભાગી ગયેલો રખડુ નિશાળિયો મોટપણે વિમાન-વીર થઈ ગામમાં આવ્યો, ત્યારે એના માનના મેળાવડામાં સહુથી વધુ છાતી શ્રીપતરામભાઈની ફુલાઈ હતી. ફુલાતી છાતી પર ચાર આંગળ પહોળો હીરકોરનો ગડી પાડેલ દુપટ્ટો સજીને માસ્તરસાહેબ એ મેળાવડામાં ઘૂમ્યા હતા અને પોતાના ગામના એ વિમાન-વીરને 'મારો નિશાળિયો, મારી સોટી ખાઈ ખાઈને વિદ્યા પામેલો’ કહી આખા સંમેલનમાં પોતે ઓળખાણ કરાવી હતી. ને એને ગળે ફૂલહાર પહેરાવવાનો પોતાનો હક એમણે કેટલા જોશથી રજૂ કર્યો હતો ! પણ એમને સહુએ હસી કાઢ્યા હતા. એટલે પછી પોતે નદીકાંઠાની કરેણ પરથી લાલ-ધોળાં કરેણનાં ફૂલો ચૂંટી લાવીને છાનીમાની એક ફૂલમાળા બનાવી રાખી હતી ને સવારથી એક જૂના ગળણામાં એ માળાને ભીની લપેટી રાખી હતી. સાંજરે કોઈ ના જાણે તેવી સિફતથી પોતે માળા ગજવામાં લઈ ગયા હતા; ને હજુ તો નગરશેઠ પ્રજા તરફનો ફૂલહાર ઝુલાવતા થોડુંક પ્રાથમિક ભાષણ કરતા હતા ત્યાં જ ડોસાએ ઊઠી, પોતાના જૂના નિશાળિયાની પાસે દોડી જઈ ઝટપટ ગજવામાંથી એ કરેણફૂલની માળા કાઢી, એને કંઠે આરોપી દીધી