પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવહૃદય આલેખતી કલમ

માનવહૃદય ને મેઘાણીની કલાનું મુખ્ય અધિષ્ઠાન હોવાથી, ને એ હૃદયનો સૌથી વધારે આવિષ્કાર માતૃત્વ અને દામ્પત્યમાં થતો હોવાથી, મેઘાણીની કલામાં કુટુંબભાવોનું આલેખન મહત્ત્વનું સ્થાન પામે છે. વાત્સલ્ય અને પ્રણયની આ સૃષ્ટિને લીધે મેઘાણીની નવલકથા માત્ર ભૂતકાળનાં પ્રસંગચિત્રોને સાંકળી લેતી કથા બનવાને બદલે, એ યુગના માનવીઓને, એમની મહત્ત્વાકાંક્ષાઓને અને નબળાઈઓને, એમના પુરુષાર્થોને અને પરાજયોને, સંસ્કારભક્તિ, રસિકતા અને શૌર્યને, ખાનદાની અને રખાવટને આપણા હૃદયપટ પર અંકિત કરી જાય છે. મેઘાણીની સમર્થ કલ્પના થોડા જ શબ્દોમાં પાત્રને આપણી પાસે જીવતું જાગતું કરી જાય છે અને માનવતાન્વેષી પ્રતિભા એ પાત્રને આપણા આત્મીય ભાવને જગાડી દેતું બનાવી જાય છે.

મનસુખલાલ ઝવેરી
 



નિરંજન

9 30 39

રૂ. 80