પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
14
નિરંજન
 

ખરચી મોકલ્યા કરીશ. હું મારી જાતને વેચીશ." એ વાક્ય સાથે માસ્તરસાહેબે પુત્રને જે દિવસ વિદાય કરેલો, તે દિવસ ટ્રેનમાં આખે રસ્તે નિરંજન ડબાની બારી બહાર માથું રાખીને એકલો ને અણદીઠ્યો રડ્યો હતો.


3
ભૂલો પડેલો !

મુંબઈ આવીને કઈ કૉલેજમાં નિરંજને પ્રવેશ કર્યો તેનું નામ ન પાડીએ; આપવાની જરૂર પણ શી છે? દૂધપાક જેમ ચાહે તેટલાં જુદાં જુદાં વાસણોમાં આખરે તો દૂધપાક જ છે, તેમ કૉલેજનું જીવન, ચાહે તે શહેરની કોઈપણ ઇમારતમાં, કૉલેજનું ચોક્કસ જીવન છે.

હોસ્ટેલમાં તો એનાથી શે રહેવાય? થોડો વખત રહ્યો, પણ હડધૂત થયો. રસોડાનો લખલૂટ ખરચ આવતો દેખી એણે એક દિવસ પોતાની ક્લબમાં એક એવો પ્રસ્તાવ મૂકવાની ધૃષ્ટતા કરી, કે “મહિનાના ચાર જમણવારને બદલે બે જ કરી નાખીએઃ રોજ રોજ સાંજે ઘીમાં તળેલી પૂરીઓ થાય છે તે કરતાં અઠવાડિયામાં બે સાંજે ઘઉંની ખાખરીઓ, એક સાંજે બાજરીના ખાખરા, એક સાંજે ખીચડી.."

એનો પ્રસ્તાવ હજુ પૂરો નહોતો થયો ત્યાં તો એના માથા પર 'હુડે હૂડે'ની ઝડી વરસી. ક્લબના સેક્રેટરીએ રાતાપીળા થઈ, મુક્કી ઉગામી, અંગ્રેજીમાં ભાષણ કર્યું કે, “ખરચ વધારે આવે છે એવું કહેવાનો ગર્ભિત આશય એ છે કે હું અંદરથી ઉચાપત કરી જાઉં છું. કેમ? મારી બદનક્ષી થઈ છે. કાં તો મારા ઉપર તિરસ્કારનો ઠરાવ (વોટ ઓફ સેન્શયોર) લાવો, નહીં તો એના ઉપર લાવો ! એ કાઠિયાવાડી શું મોં લઈ આપણી ક્લબનું નાક કાપવા આવ્યો છે!"