પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રત્યેક મહિને
17
 


નથી કરતાં: એમણે આપણને જન્મ આપીને કોઈ ઉપકાર કર્યો નથી. કોઈ પણ માબાપને, પોતાનાં બાળકોને ઉચ્ચ ધોરણે ભણાવી ગણાવી, સોસાયટીમાં જીવવાલાયક બનાવવાની શક્તિ ન હોય તો તેમને છોકરાં પેદા કર્યો જવાનો હક નથી: લગ્ન તો કેવળ એક કાયદેસરનું વેશ્યાજીવન બની રહેલ છેઃ આપણે તો એવી રાજવ્યવસ્થા ઊભી કરવી છે કે જેમાં કોઈપણ બાળકને ગરીબના સંતાન તરીકે ઓળખાવું ન પડે, સ્ટેટ જ એનું માતાપિતા બની રહેઃ ઓહો, તે દિવસે પોકળ લાગણીવેડાનો કેટલો બધો બોજો આપણા પરથી ઊતરી જશે! તે દિવસે આ ક્લબનો મહારાજ જ શું આપણી માની ગરજ નહીં મટાડી દે !

આવી સમજાવટથી હળવાફૂલ બનીને વિદ્યાર્થીઓ પોતાની રૂમોમાં જતા અને ક્લબમાંથી ધાણાદાળ વગેરે મુખવાસનાં ગજવા ભરી-ભરી આણ્યાં હોય તે ટેબલ પર ઠાલવીને આખો દિવસ ચાવતા.


4
પ્રત્યેક મહિને

પ્રત્યેક મહિનાનો પહેલો દિવસ નિરંજનને માટે ત્રીસ રૂપિયાનું રજિસ્ટર લાવતો ને સાથે ઊંડી મર્મવેદનાના આંચકા આણતો. એ રજિસ્ટર પિતાજી મોકલતા. પંતૂજીના ધંધામાં પિતાજીને ચાકની કટકીથી માંડીને હોલ્ડરની ટાંક સુધીની સ્ટેશનરી વિશે બહુ ચોક્કસ રહેવાની ટેવ પડી ગયેલી. (રાજકચેરી વધુમાં વધુ કડપ શિક્ષણખાતાની સ્ટેશ્નરીના વપરાશ પર જ રાખતી. શ્રીપતરામભાઈની એક વાર થોડી ભૂલ થવાથી વિરુદ્ધ શેરો પણ થયો હતો.) એટલે પાકી ચોકસીની આદતમાં પલોટાયેલા પિતાજી નિરંજનને પણ માસિક ખરચી મુકરર વખતે જ રવાના કરતા. મહિનો ત્રીસનો છે કે એકત્રીસનો એની પણ માસ્તરસાહેબ અચૂક સરત રાખતા.