પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
18
નિરંજન
 


રજિસ્ટરને જોતાંની વાર નિરંજનના કાન પર પિતાજીના વિદાયશબ્દોના ભણકારા ઊઠતા: ‘મારી જાત વેચીને પણ હું તને ખરચી મોકલ્યે રહીશ.'

'જાત વેચીને એટલે? ડોસા શું કરતા હશે? માગતા-ભીખતા હશે?'

રજાના દિવસોમાં પોતે ઘેર જતો ત્યારે ભાળ મળતીઃ પિતાજીએ બે મહિના સુધી ઠાકોરસાહેબનાં મામીસાહેબનું કામદારું કર્યું હતું; શ્રાવણ માસમાં માસાહેબના પુણ્યાર્થે વીસ હજાર ગાયત્રીજપ કર્યા હતા; એક પારાયણ વાંચી હતી; ને જમવાની લોલુપતા તો નહોતી પણ એક એક રૂપિયાની દક્ષિણાની લાલચે પાંચ-દશ ઠેકાણે શ્રાદ્ધ જમવા પણ ગયા હતા.

“પણ તમારી આંખે મોતિયો છે ને પારાયણ શી રીતે વાંચી શક્યા?” નિરંજન પૂછતો.

“ના, ના, મોતિયો હજી પાક્યો નથી કંઈ;” ડોસા હસતા હસતા ખુલાસો કરતા, “ને તારી બાનાં ચશ્માં મને બહુ બંધબેસતાં થઈ પડે છે. એક વહોરો વેચવા નીકળેલો તેની કનેથી ઠીક ચશ્માં મળી ગયાં. ફિકર નથી, ભાઈ !”

“પણ તમે શ્રાદ્ધનું જમવા જાઓ છો ત્યારે અજીરણના ઝાડા થઈ જાય છે એમ મારી બા કહે છે, તેનું શું?”

“તારી બા તો રાજામાણસ છે ! એમાં અજીરણ મોટું શું થઈ જવાનું હતું? સહેજ થાય તો હિંગાષ્ટકની ફાકડી ભરી જઈએ, પણ કાંઈ સારાં માણસોનાં મન-મોં મુકાય છે, બેટા?”

આમ પ્રત્યેક મહિનાનું રજિસ્ટર પિતામાતાની કેટલી કેટલી સ્મૃતિઓને સજીવન કરતું ! આંખો ભીની થતી ને એક નવા ભયનો પડછાયો ઊતરતો:

નિરંજનને એક નાની બહેન હતી. એનું નામ રેવા હતું. રેવા હજુ તો હમણાં સુધી સાવ નાની હતી, પણ છેલ્લી દિવાળીની રજામાં રેવા મને લેવા સ્ટેશને કેમ નહોતી આવી? હું ઘેર ગયો ત્યારે ‘ભાઈ આવ્યા! ભાઈ આવ્યા !' કરતી સામી કેમ નહોતી દોડી? કેમ મારે એને 'રેવા!