પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રત્યેક મહિને
19
 

ઓ રેવા!' એવા સાદ પાડી ઘરમાં શોધવી પડેલી? ખંડેખંડમાં ઘૂમીને આખરે રેવાની ભાળ મને એક કોઠીની ઓથે મળી હતી. એ ત્યાં કેમ લપાઈ ગઈ હતી? ને રેવા આવડી મોટી ક્યાંથી થઈ ગઈ? એનાં અંગોમાં આ નવો ભરાવ શાનો? મોં ઉપર લજ્જાની ચૂમકીઓ આ ગલ શાના પાડી ઊઠી? છૂટી ઓઢણી ઓઢનારી રેવાનો દેહપુંજ કેમ ચોમેરથી બાની જૂની સાડીમાં લપેટાઈ ગયો? રેવાનો ઝાલરઝૂલતો ચણિયો એ સાડીમાં શા માટે ઢંકાયો? રેવાના માથા ઉપર તરેહતરેહવાર ગૂંથાતા હતા તે વાળ સેંથા વગરના, તેલ વગરના, ત્યજાયેલા કોઈ ખેતરની અંદર ઊગેલી બોરડીઓનાં જાળાં જેવા કેમ?

“અરે રેવા ! રેવલી ! તું સંતાઈને કાં ઊભી હતી? મને લેવા કેમ ન આવી? તું મારાથી – ભાઈથી શરમિંદી બની કાં ઊભી છે?”

રેવાએ જવાબ ન આપ્યો; પણ બા બોલ્યાં: "ભાઈ, રેવા હવે કાંઈ નાની છે? એ પણ વિચારપડતી વાતું છેને, બેટા !”

આ શબ્દોએ જ નિરંજનને ભાન કરાવ્યું કે રેવાના દેહપ્રાણમાં જોબનની પો ફાટતી હતી.

નવરાત્રીના ઉત્સવો હતા, શેરીઓ ગરબે ગાજતી હતી, સૌ રમવા નીકળ્યાં; ન નીકળી એક રેવા.

રેવાએ જાણે કોઈ દુષ્કૃત્ય કર્યું હતું. મારી બહેન, ગઈ કાલ સુધીની નિર્ભય, નિર્દોષ, નાચતી, કલ્લોલતી બહેન, કોઠીની આડશે મોં છુપાવીને ભાઈથીયે લજવાતી કાં ઊભી?

પિતાજી પાસે બેસીને એણે વાતના તાંતણા હાથ કીધા: રેવાને પરણાવવાની વેળા થઈ છે. આપણી જાતનું કૂંડાળું સાવ નાનું છે. સામા રૂપિયા માગે છે. ફક્ત એક દીવાનસાહેબ આપણી ન્યાતના છે. એમની વહુનો એક ભાઈ બીજવર છે. પણ એમની પોતાની કન્યા ઉંમરલાયક થઈ છે ખરીને, એટલે સામસામાં જ દેશેને? આપણે તો ઘણોય જોગ છે, પણ હેં હેં-હેં તું ભાઈ, પ્રતિજ્ઞા લઈને બેઠો છે એટલે શું થાય? ખેર ! કાંઈ નહીં. ૐ શાંતિ શાંતિ શાંતિ !