પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાદર પર
21
 

સહજ બોલાઈ ગયું: “અહીંથી તો હું દસ વાર જોતો જોતો પસાર થયો હતો!”

પેલો મદદગાર આ બોલ સાંભળીને સહેજ થંભ્યો, નિરંજનની સામે તાકી રહ્યો, ચશ્માં જરા ઉતારી લીધાં ને પછી મોંનો એક ખૂણો ત્રાંસો કરીને પૂછ્યું: “વિદ્વાન લાગો છો !”

વિદ્યા ઉપર વ્યંગ થયો સાંભળી નિરંજનનું મોં પડી ગયું. ત્યાં તો – “એ કવિરાજ, કેળાંની છાલથી સંભાળજો, હો કે?” – એટલો છેલ્લો ગોળીબાર કરીને મદદગાર નાક પર ચશ્માં ગોઠવતો ચાલ્યો ગયો. નિરંજને પોશાક પરથી અનુમાન કર્યું કે કોઈક કચ્છી મિસ્ત્રી હશે. મુંબઈના ફૂટપાથ ઉપર પડતી કેળાની છાલ, પોતાના ઉપર અજાણ્યે પગ મૂકનાર અનેક 'કવિરાજો' કહેતાં શૂન્યમનસ્કોને પૃથ્વીના દંડવત્ પ્રણામ કરવા ફરજ પાડે છે એ તો જાણીતું છે.

ઉપરથી અપમાન થયું સમજતો, છતાં અંતરથી પોતાની શૂન્યમનસ્ક સ્થિતિનો વિચાર કરતો નિરંજન 'રમામહાલ’નાં પગથિયાં ચડવા લાગ્યો. એક સીડી ઓળંગી ત્યારે એણે ઉપરથી એક પરિચિત વ્યક્તિને નીચે ઊતરતી દીઠી. પણ હમણાં જ પેલી હાંસી થઈ હતી તેથી પોતે એટલી બધી સાવધતા રાખીને પગથિયાં ચડતો હતો કે છેક ભટકાતાં સુધી એણે સામે આવનારનું મોં ન જોયું. સામેથી અવાજ આવ્યો:

“ટેઈક કેર! કોલિઝન!” (સાચવીને ચાલો! અથડામણ કરી ન બેસતા!)

બોલનાર ઓળખાયો: હોસ્ટેલની પેલી અળખામણી ક્લબનો એ સેક્રેટરી જુવાન જ હતો. નિરંજનને પેલો, પોતાનો હુડકારનો દિવસ યાદ આવ્યો. આ માણસ તેને તે દિવસથી ગમતો નહોતો, એટલે નિરંજન એનાથી કાયમ તરીને જ ચાલતો. કોઈ કોઈ વાર એની નજીક થઈ જવાનું બનતું, ત્યારે નિરંજનને નાકે એનાં સુંદર રેશમી કોટપાટલૂનમાંથી હિનાના અત્તરની ભભક છંટાઈ રહેતી. અનેક વાર નિરંજન એના જુદા