પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
22
નિરંજન
 

જુદા પોશાકો સામે તાકતો પણ હતો. રોજ સાંજે હાથમાં રેકેટને રમાડતો આ ફાંકડો સેક્રેટરી ફલાલીનના પાટલૂન પર નેવી-બ્લ્યૂના ખેલાડી ડગલાની અકબંધ ગડીઓવાળી બાંયો લોડાવતો નીકળતો, ત્યારે અણગમો હોવા છતાંયે નિરંજનનાં નેત્રો એ ફાંકડા સેક્રેટરીની દેહશોભાની પાછળ પાછળ ઘણે દૂર સુધી ચાલ્યાં જતાં. એકાદ વાર તો નિરંજનને આ માણસના પોશાક પર પોતાનો હાથ ફેરવી જોવાની પણ ગુપ્ત ઇચ્છા થઈ આવેલી. ઘણી વાર એને વિચાર ઊપડતો કે, મને આ બધું નથી મળતું તેથી તો હું એ ભભકા કરનારાઓનો નિંદક નહીં બન્યો હોઉં ને?

પણ અહીં ‘રમામહાલ'ની સીડી પર નજરે પડેલો એ સેક્રેટરી જુવાન કંઈક જુદા જ સ્વાંગમાં સજ્જ થયેલો હતો. સામાન્ય એક ધોતી, તેના ઉપર જૂના કોઈ પીળા કપડાનો લાંબો કોટ, ધોબીએ કેટલીય વાર ધોઈ ધોઈ ચૂંથી નાખેલ એ કોટનો કોલર, અંદર સાદું, સહેજ કરીને ફસકાઈ ગયેલું ખમીસ, ને માથા પર સફેદ ખાદી ટોપી. નિરંજનને અજાયબી લાગી, છતાં કોણ જાણે કેમ પણ આ પોશાકેય પેલાને ભળતો હતો. એને છટાથી પહેરતાં આવડતું હતું. કોઈકના ભરેલા બદન પર બંધબેસતાં સાદાં કપડાં તરફ પણ હરકોઈ દૂબળા દેહના આદમીને ઈર્ષ્યા આવે છે.

પણ આ ભાઈસાહેબ આજે આવે વેશે અહીં શા માટે? પૂછવા કરવાની તો નિરંજનને ટેવ નહોતી. ફક્ત 'કેમ છો?'થી જ પતાવ્યું.

પણ પેલો એમ શે પતાવે? એણે પૂછ્યું: “કેમ? અભિનંદન દેવા ક્યારે આવું? ઉજાણી ક્યારે આપો છો?”

“શાની ઉજાણી?”

“એન્ગેજમેન્ટની (સગાઈની).”

“શું બોલો છો? શાનું એન્ગેજમેન્ટ"

“મિસ સુનીલા જોડેનું !”

નિરંજનની જીભ પર વિસ્મયનો પથ્થર ચંપાયો. પેલાની જીભને