પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાદર પર
25
 

કોઈક ગાતું ગાતું ઊતરતું હતું.

નીચે ઊભેલા પ્રતિસ્પર્ધીએ ઉપરથી ઊતરનારનો અવાજ પારખ્યો.

એણે કહ્યું: “છોડ !”

“નહીં છોડું !” નિરંજનના મોં પર ચડેલું લોહી જાણે યુદ્ધની રાતી પતાકાઓ ફરકાવતું હતું.

નીચે ઊતરનારું નજરે પડ્યું. સ્ત્રી હતી. નજીક આવતાં ઓળખાઈ - એ સુનીલા હતી.

સેક્રેટરીના હાથ નિરંજનના શરીર પરથી અળગા થયા. નિર્દોષ સજ્જન જેવો બનીને એ ઊભો રહ્યો.

નિરંજનના લલાટ પર વીખરાયેલા વાળની જાળી થઈ ગઈ હતી. નિરંજનની આંખો પર એ જાળીનો પડદો થયો હતો. જાળી વાટેથી એની નજર આવનારને ન ઓળખી શકી. આંખોમાં રતાશ ઊભરાઈ હતી. શરીર કંપતું હતું. શત્રુનો કોલર એણે ન છોડ્યો.

સુનીલાએ મવાલિયતનું દ્રશ્ય જોયું.

"જુઓ છોને?” પ્રતિસ્પર્ધીએ, આ હેવાનિયતની જવાબદારી કયા મસ્તક પર છે તેનું, સુનીલાને ગર્ભિત સૂચન કર્યું.

“કોણ, નિરંજન?” સુનીલાએ ઓળખ્યો.

નિરંજન કદાચ કશુંક બોલી નાખશે એ બીકે પ્રતિસ્પર્ધીએ પાણી આડે પાળ બાંધી: “બધુંય સહેવાય, સુનીલા ! પણ તમારું અપમાન, તમારા વિશેનો વિપરીત ખ્યાલ, તમારી સસ્તી મુલવણી, મારાથી ન સહેવાઈ. તમે એને માટે કાલે જે કર્યું, તેનો શું એણે આવો અર્થ બેસારી નાખ્યો?”

સુનીલા શબ્દ પણ ન બોલી. માથા પરથી સરી પડેલી સાડીને એણે સરખી કરી. કશુંક લજ્જાસ્પદ, ધૃણાજનક, પુરુષને ન છાજે તેવું જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે સ્ત્રીનો મૂંગો તિરસ્કાર આ રીતે પ્રદર્શિત થાય છે. સ્ત્રી પોતાનાં વસ્ત્રો સંકોરી લે છે. સ્ત્રી જાણે, કે પોતાની માનસિક રક્ષા ધારણ કરે છે. પોતાની ઈજ્જતના દીવા આડે