પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દિવાનસાહેબ
27
 


ગણાય તેટલાં અપમાનો ગળ્યાં હતાં. સામે નહોતો ઊઠ્યો તેથી દુનિયાએ એને ભલો, ભદ્રિક, વિનયી, સુશીલ કહ્યો હતો. એ એક પાખંડ હતું. પોતે મારની સામે માર, ગાળની સામે ગાળ, અપમાનની સામે અપમાન રોકડું ચૂકતે કર્યું નહોતું, કેમ કે એ કરવાની હિંમત નહોતી. ગાળો એના હોઠ પર ફફડી ફફડીને ચાલી ગઈ હતી. અપમાનના બોલ એની જીભના ટેરવા પર તમતમતા રહ્યા હતા. અને પોતાને મારી જનાર ગામના છોકરાઓની ગરદનને પોતે પોતાના હાથ વચ્ચે કલ્પી કલ્પી અનેક વાર હાથ દબાવ્યા હતા. પોતાને ત્રાસ દેનાર બાળકનાં પિતામાતા કે બહેનભાઈ મરી જતાં તો પોતે મનમાં રાજી થયો હતો. એક છોકરાનું ઘર બળી ગયું તે વખતે પોતે એ સળગતા ઘરના ભડકાઓને અજવાળે ચોપડી પણ વાંચી હતી !

આજે એને ભેદ સમજાયો કે હિચકારાપણું કોને કહેવાય ને મર્દાનગી કોને કહેવાય.

એનો વિજયી હાથ વાળ પર ફરી વળ્યો. કપાળ ખુલ્લું થયું. કપડાં ઉતરડાયાં હતાં તે તો શરમની વસ્તુ મટી જઈ ગર્વની નિશાની બની.

એણે ઉપર જઈ ઘંટડીની ચાંપ દાબી.


6
દીવાનસાહેબ

બારણું ઊઘડ્યું. ફરી વાર નિરંજન ચમક્યો. ત્યાં પણ એણે સુનીલાને બેઠેલી જોઈ !

વિભ્રમ તો નથી થયો ને? મેવાડના રાણાને ઠેર ઠેર મીરાં દેખાઈ હતી એ ખરું હશે?

એ બધું સપાટામાં બની ગયું. સુનીલા ખુરશી પર બેઠી બેઠી એક