પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
30
નિરંજન
 

અદ્વૈતવાદ અને રૂ-અળશી વગેરેનાં બજાર આદિની આડીઅવળી ગુફતેગો કરીને મુંબઈના સદ્દગૃહસ્થો વિદાય થયા. ઓરડામાં દીવાનસાહેબ અને નિરંજન બે જણ રહ્યા.

“તમે જ શ્રીપતરામ માસ્તરના દીકરા?” દીવાનસાહેબે પૂછ્યું.

“જી હા.”

“તમે નાના હતા તે જ ને?”

“હું મારા પિતાનો એક જ પુત્ર છું.”

દીવાનસાહેબને ખાતરી થઈ કે પોતાને એક દિવસ 'યોર ઓનર' કહી સંબોધનારો જે સુશીલ બાળક, તેની જ આ યુવાન આવૃત્તિ છે.

રાજપુરુષો જૂની વાતો નથી ભૂલતા; જૂની વાતોના ડંખો નથી જ ભૂલતા. દીવાનસાહેબે ચીપી ચીપીને કહ્યું: “તમારામાં તો જબરો ફેરફાર થઈ ગયો !"

નિરંજન આ ટકોરનો મર્મ સમજી ગયો. એણે જવાબ આપ્યો:

“કુદરતનો જ નિયમ છે.”

દીવાનસાહેબને “જી” કે “સાહેબ” વગરનાં આવાં બાંડાં વાક્યો સાંભળવાની ટેવ નહોતી. એમને કશીક તોછડાઈ લાગી. એમણે મુકાબલો કરવા માંડ્યો: “હમણાં જ એક ભાઈ આવી ગયા. તમારી કૉલેજના જ હતાને? પેલા તમારી ક્લબના સેક્રેટરી છે તે. સરસ છોકરો છે. વિવેક સાચવી જાણે છે. બહુ તંગીમાં અભ્યાસ ખેંચે છે બાપડો. આપણા રાજની રૈયત તો નથી, પણ એનું મોસાળ આપણા એક ગામડામાં છે. દરબારશ્રી તરફથી એને અમે મોટી મદદ આપી છે. છોકરો તેજસ્વી ને ચારિત્ર્યવાન લાગ્યો. બ્રિજ, ટેનિસ, ક્રિકેટ વગેરે રમતો પણ રમી જાણે છે. વિનય તો ચૂકતો જ નથી.”

નિરંજન ફક્ત ફાટી આંખે તાકી રહ્યો. હવે એને સમજ પડી કે સેક્રેટરીને આજે ગરીબીનાં પરિધાન ધારણ કરવાનું શું પ્રયોજન પડ્યું હતું.

"દરબારશ્રી આંહીં આવે છે ત્યારે તમે સલામે જાઓ છો કે નહીં?"