પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીવાનસાહેબ
31
 

"કદી ગયો નથી.”

"કેમ ગયા નથી?”

"ક્યારે આવે, ક્યારે જાય, તેની ખબર વગર - રીતે જવું?"

“ખબર તો રાખવી જ જોઈએ ને? તમારે ચોપડીઓના કીડા થઈ પડ્યા રહેવું કંઈ પોસાશે? વ્યવહારજ્ઞાન પણ કેળવવું જોઈએ. પેલા ભાઈનું દ્રષ્ટાંત નજર આગળ રાખવું જોઈએ.”

નિરંજન ન સહી શક્યો. નાનું બાળક આંખો મીંચીને એક ઘૂંટડે કડવી દવા ગટગટાવી જાય તેવો જ એક પ્રયત્ન કરીને એણે કહી નાખ્યું:

"હું કોઈ બીજાનાં દ્રષ્ટાંતો નજરમાં લેવા નથી માગતો, સાહેબ! મારા જીવનને હું મારી પોતાની રીતે ઘડું છું.”

"એ જ બખડજંતર છેને તમારું આજના જુવાનોનું.” કહીને સમયવર્તી રાજપુરુષ સહેજ હસ્યા. ને નિરંજનનો અગ્નિ પણ 'બખડજંતર' શબ્દના શીતળ છંટકાવથી ઠંડો પડ્યો.

"અરે, સુનીલાબહેન!” દીવાનસાહેબે સાદ કર્યો.

સુનીલા એ ખંડમાં આવી ઊભી. ફરી એક વાર નિરંજનને ગાલે શેરડા પડ્યા. સુનીલાએ કશી વિકલતા ન બતાવી.

"સરયુબેન ક્યાં ગઈ? બોલાવોને ! આવોને બેઉ અહીં આ મિસ્તર આપણી રૈયત છે. કશો સંકોચ નથી. સરયુને આ શહેરમાં કયાં કયાં સ્થાનો દેખાડવા લઈ જવી તે નક્કી કરીએ. આ મિસ્તર પણ આપણને મદદ કરશે. કેમ ખરુંને, મિસ્તર બખડ...”

બાકીનો ટુકડો 'જંતર' દીવાનસાહેબના ગળામાં જ ચોંટી રહ્યો, કેમ કે નિરંજનના મોં ઉપર એ મજાક માટેનું સ્વાગત ન દેખાયું.

"ખુશીથી.” નિરંજન કશાક વિચારતરંગોમાં ઝૂલતોઝૂલતો પૂરું સમજ્યા વગર જ, હા પાડી બેઠો.

"અને સુનીલાબહેન !” દીવાનસાહેબ ઊઠીને અંદરના બારણા સુધી ગયા; સુનીલાને કાનમાં સૂચના કરી: “સરયુને જરા વાળ-બાળ ઓળાવીને લાવજો.”