પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રીનું પ્રદર્શન
33
 


“મારે માટે એક 'સેન્ટિમેન્ટ' થઈ પડ્યો છે હો મિસ્તર, કે મુંબઈ આવું છું ત્યારે હું અહીં જ ઊતરું છું. હોટેલોમાં કે લોજોમાં અથવા કોઈક મોટા મહેલવાસીને ત્યાં ક્યાં વળી બખડજંતર કરવા જાઉં? અહીં ઊતરવાથી તો સુનીલાબહેનની અને એમનાં બાની સંભાળ પણ લેવાય; ને મને સાદાઈ ગમે છે તેથી પણ અહીં રહેવામાં જેટલું ઘર જેવું લાગે તેટલું બીજે ન જ લાગે.”

નિરંજનને હવે પૂરી સમજણ પડી કે આ તો આખું ઘર જ સુનીલાનું છે. એટલે પછી એ વધુ કાળજી ને કુતૂહલથી મકાનની દીવાલો, ખૂણા, અભરાઈ, કબાટ અને ઘરનાં ઝીણાંમોટાં રાચરચીલાનું નિરીક્ષણ કરવામાં ડૂબ્યો.


7
પુત્રીનું પ્રદર્શન

સુનીલા આવી પહોંચી. સાથે અઢારેક વર્ષની એક કુમારી હતી. એના કેશ ઉપર કાંસકીના દાંતા હજી બે મિનિટ પૂર્વે જ ફરેલા હોય એવું દીસતું હતું.

ને નિરંજને અટકળ કરી લીધી કે આ પોતે જ દીવાનસાહેબની દીકરી સરયુ, જેની કુમારી અવસ્થાનો ઉલ્લેખ પિતાજીના એક પત્રમાં હતો.

“આવો, સરયુબહેન ! બેસો અહીં.” પિતાજીએ ખુરશી બતાવી. સુનીલા પણ બાજુમાં જ બેઠી.

સરયુનો ચહેરો સુંદર હતો. પિતા કૉલેજમાં જે વેળા વર્ડ્સવર્થનું કાવ્ય 'સોલિટરી રીપર' (અકેલી ખેડુકન્યા) ભણતા હશે, તે સમયની કલ્પના જાણે દેહ ધરીને દુનિયા પર ન ઊતરી હોય !