પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
34
નિરંજન
 


“કેમ સરયુબહેન! નીચું કાં જોઈ રહી?” દીવાનસાહેબે લાડ કર્યાં.

પણ સરયુના જાણે કે શ્વાસ ઊડી જતા હતા. સરયુ જાણતી હતી કે પિતાજીના કંઠમાં અત્યારે જે મીઠો રણકાર ગુંજે છે, તે કોઈ કોઈ વાર જ સંભળાય છે. પિતાનાં આવાં મીઠાં સંબોધનો છેલ્લાં એક વર્ષ દરમિયાન સરયુએ ચારેક વાર સાંભળ્યાં હતાં – ચાર જુદા જુદા મુરતિયાને પિતાએ સ્વયંવર સારુ તેડાવેલા તે તે વખતે.

સરયુ સમજી ગઈ હતી – સુનીલાબહેને વાળ ઓળવાનું કહ્યું તે જ ક્ષણે – કે હમણાં પોતાનું પાંચમું પ્રદર્શન ભરાવાનું હોવું જોઈએ. એ પ્રદર્શનની શરમે સરયુની દેહપાંદડીઓને લજામણીનાં પાંદ માફક સંકેલી ચીમળાવી દીધી. આજનું પ્રદર્શન ખુલ્લું મૂકવાની ક્રિયા કોના માનમાં થઈ રહેલ છે એનું સરયુને ભાન નહોતું. અતિથિની સામે ત્રાંસી નજરે નીરખવાની પણ એની હામ નહોતી. એના અંતરમાં પાંચમા સ્વયંવરનો ઉલ્લાસ નહોતો.

નિરંજનની સામે ન જોવા છતાં ઉઘાડી બારીમાં તાકતી તાકતી સુનીલા હસતી હતી. સુનીલાનું હાસ્ય નિરંજનના પ્રાણને કળીએ કળીએ કાપી રહ્યું હતું. સુનીલા આ સ્વયંવરની કેવી ઠેકડી પોતાના મનમાં મનમાં કરી રહી હશે!

સુનીલાના મનોવ્યાપાર, પોતે જે આકાશની સામે જોઈ રહી હતી તેની નીલિમા જેટલા અનંત, અગાધ અને નિગૂઢ હતા. સંધ્યા નમતી હતી. ગગનની શ્યામલતા ધીરે ધીરે, તારલે તારલેથી અકેક નવરંગી હાસ્ય નિતારતી હતી. સુનીલાના સહેજ ભીનાવરણા મોં ઉપરથી પણ સ્મિતના તારલા બહુરંગે ટમટમતા હતા.

"સરયુબહેન, તમારે તો 'ફોર્થ'નું ભણતર ચાલે છેને?”

દીવાનસાહેબને શું પાકી ખાતરી નહોતી, કે પછી શું સરયુના અભ્યાસ વિશે નિરંજનને વાકેફ કરવો હતો, તે આ કૉલેજના સ્વપ્નવિહારી જુવાનને બરાબર ન સમજાયું.

"શ્લોકો કેટલા, પચાસ તો મોંએ કર્યા, ખરું? પેલો रात्रिगर्मिष्यति