પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
36
નિરંજન
 

પડે તો તમારી જબાન ખેંચી કાઢવા સુધીનું ઝનૂન તમે જગતના હૃદયમાં જગાડો છો.

સુનીલાએ હાસ્યમાં વીંટાળેલા અર્ધસ્પષ્ટ શબ્દો ઉચ્ચાર્યા: “એમાં બોલવા જેવું શું હોય?”

દીવાને વધુ સ્પષ્ટ કર્યું: “ઘેર માસ્તર આવે છે – સ્કૂલમાં નથી મોકલતા. બે જ વર્ષમાં સરયુએ ચાર ધોરણ કર્યા.”

“ત્યારે હું હવે રજા લઈશ.” કહેતો નિરંજન ઊઠ્યો.

"રહો, રહો, આપણે નક્કી કરી નાખીએઃ સુનીલાબહેન, સરયુબહેનને ક્યારે, રવિવારે જ ફેરવી લાવશોને? તમારી યુનિવર્સિટી, મ્યુઝિયમ, એકાદ સિનેમા – કોઈ બૈરાંને બતાવવા જેવો હોય તો જ હો કે ! ને તમને જે જે ઠીક લાગે તે બધું પરચૂરણ બતાવી આવોને ! આ મિસ્તરનેય ભેળા લો. પેલા ભાઈ સેક્રેટરી આવેલા તેમને મેં કહ્યું છે. પણ મિસ્તર, તમે એમને જરા ના કહી દેશો? બિચારાને દુઃખ ન લાગવું જોઈએ.”

“વારુ.”

નિરંજન ગયો; પણ બહાર ગયા પછી જ એને સૂઝ પડી કે પોતે કેવો ભયાનક ગોટાળો કરી મૂક્યો છે !

નિરંજન ગયા પછી દીવાનસાહેબે કહ્યું: “સુનીલાબહેન, આ મિસ્તર અને અમે એક જ ન્યાતના છીએ. મૂળ અમારી ન્યાત ભારદ્વાજ ઋષિમાંથી ઊતરી આવેલી.”

સરયુ ઊભી થઈ. એને ભણકારા વાગી ગયા કે બાપુજી હવે કયા વિષય પર આવી પહોંચેલ છે.

પિતાએ પૂછ્યું: “કેમ બહેન?"

સરયુએ જવાબમાં ફક્ત પિતાની સામે જોયું. એનો ચહેરો લાલ મરચાંના સંભારમાં ઝબોળેલી સંભારી કેરી જેવો ઉશ્કેરાયેલો હતો. એની આંખો લાલ-લાલ, ચકળવકળ જોતી ને ધગધગતાં આંસુથી છલોછલ હતી.

“કેમ? કેમ? શું થયું, સરયુ?”