પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રીનું પ્રદર્શન
37
 


“કંઈ નહીં – તમે.” એટલું બોલતાં તો એને કંઠે ડચૂરો વળ્યો, ને લગભગ દોટ કાઢ્યા જેવી ચાલે એ અંદરના ખંડમાં ચાલી ગઈ.

પિતા ખસિયાણો પડી ગયો. સુનીલાની સામે જોઈને એ ગરીબડા વદને બોલ્યો: “હું તો ઊલટાનો એના સારાને માટે કરવા ગયો.”

સુનીલાએ ફક્ત એટલું જ કહ્યું: “મામા, સરયુબહેન હવે નાની નથી. એ સમજે છે, એથી જ ત્રાસ પામે છે.”

અંદરના ખંડમાંથી સરયુનાં હીબકાં સંભળાતાં હતાં.

દીવાને સુનીલાને વીનવી: “તમે એને શાંત પાડશો?”

દીવાન એકલા બેઠા બેઠા, હજુય જાણે કોઈકને સંભળાવતા હોય તેમ, આત્મવિવેચન કરવા લાગ્યાઃ “શેકસપિયર ! શેક્સપિયર ! તું ભૂલ્યો છે. અનઇઝી લાઇઝ ધ હેડ ધેટ વેર્સ ધ ક્રાઉન (તાજ પહેરનાર રાજવીના મસ્તકને નિદ્રા ન હોય) એમ નહીં પણ અનઈઝી લાઈઝ ધ હેડ હુઝ ગર્લ હેઝ ગ્રૉન (જુવાન બનેલી કન્યાના બાપને નિદ્રા ન હોય) એમ તારે લખવું જોઈતું હતું. પણ તું જવાન દીકરીનો બાપ નહીં હોય!"

દીકરી જુવાન બની છે. એ વિચારે દીવાનને દીવાનપણે વિસરાવી દઈ કેવળ પિતા જ બનાવી નાખ્યો. પલવારમાં પિતાએ જીવનની પામરતા અનુભવી. સરયુની પાસે પોતે જે નાટક ભજવાવ્યું તેની એને હવે શરમ ઊપજી: દીકરી જેવી દીકરીનો મેં તેજોવધ કર્યો ! દીકરીને અભણ રાખી હોત તો એને દુઃખ ન થયું હોત. દીકરીને પૂરું ભણતર ભણાવી નાખ્યું હોત તો દીકરી જ પોતાના સ્વમાનની હાનિનો કોઈ પ્રસંગ ન સાંખી રહેત. પણ સરયુને તો મેં બંને અવસ્થાઓમાંથી રખડાવી મૂંગો મૂઢ માર માર્યો છે!

વાત નાનકડી, તેને હું ત્યજી શકતો નથી. જે યુનિવર્સિટી-શિક્ષણે ક્રાંતિકારો જન્માવ્યા, તે જ શિક્ષણની કૂખે હુંય જન્મ્યો, છતાં એક નાનકડા ન્યાતગોળનું કૂંડાળું ભેદવા જેટલીય મારામાં હિંમત નથી ! કેમ નથી? કેમ નથી?

હું જબરા રાજપ્રપંચોનો કરનારો, હું આજ સુધી મારી ચોપાસ ગૂંથાયેલી ખટપટની જાળોને પણ ઉચ્છેદી કેવળ મારા વટને ખાતર રાજનું