પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
38
નિરંજન
 

દીવાનપદ સાચવી જાણનારો, હું એક મનમોજી રાજ્યકર્તાની મુનસફીમાત્રના જ્વાલામુખી પર વણધડક્ય કલેજે બેસી જાણનારો – તે છતાં મારાથી આ વાતના કૂવાની બહાર શા માટે નીકળાતું નથી?

એ કૂવામાં હું દીકરીને દોરડું બાંધીને કાં ઉતારી રહ્યો છું? મારી સરયુએ કયે દહાડે મને કહ્યું અથવા સૂચવ્યું કે મને ઝટ પરણાવી નાખો ! સરયુ તો એના વિદ્યાભ્યાસમાં તલ્લીન છે, છતાં હું શા માટે નક્કી કરી નાખું છું કે એનું શ્રેય ઝટ પરણી લેવામાં જ છે!

પરણવું એ જો સ્ત્રીને માટે પરંપરાની રૂઢિ જ ન બની ગયું હોત, તો હું સરયુના લગ્નનો વિચાર લાવત ખરો? ના, હું તો ભૂખ ન હોય છતાં બાર વાગ્યે જેમ પાટલા પર જમવા બેસું છું તેટલી જ બિનજવાબદાર રીતે, સરયુ પરણવા તૈયાર હોય ન હોય છતાં, સરયુને ક્યાંક ઠેકાણે પાડી નાખવા નીકળ્યો છું !

હું કેટલો પામર છું !

સરયુનાં હીબકાં મંદ પડ્યાં હતાં. એ હવે સુનીલાના શયનખંડમાં હતી. આસમાની રંગના પારદર્શક હોજમાં કોઈ બે મત્સ્ય-કન્યાઓ ઝૂલતી હોય, તેવી એ બેઉ યુવતીઓ સનીલાના શયનખંડના વાદળિયા દીપક નીચે બેઠી હતી. સુનીલાનો જમણો હાથ સરયુના માથા પર ફરતો હતો. સુનીલા સરયુને વિનોદે ચડાવવા લાગી:

“એક વાત રહી ગઈ.”

"કઈ?”

“હાર્મોનિયમ બજાવવાની ! આ મારી હાથપેટી તો અહીં જ પડી છે.”

“તમારે બજાવી બતાવવી પડતી હશે, ખરું?” સરયુએ સામો પરિહાસ કર્યો.

"હા જ તો. ભણેલા વર અમસ્તા નથી મળતા, બેનસાહેબ !"

“ત્યારે તો સારું છે કે તમે મારા બાપુજી નથી.”

“હું બાપુજી હોત તો તો તમારી પાસે નાચ પણ નચાવત.”