પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મનની મૂર્તિઓ
41
 

મળેલો તમાશો.

એનું હસવું પ્રથમ તો પ્રયત્ન વડે જાગ્યું. પણ પછી એ હસવું આપોઆપ જ વેગમાં મુકાયું. ખડખડાટો ઊઠ્યા.

આવા કોઈપણ અવાજને માટે નિરંજનની ઓરડી જાણીતી નહોતી. પાડોશીઓ માનતાં હતાં કે આ ઓરડીમાં રહેનાર જુવાન મહિનેમહિને એનું કોઈ કોઈ સ્વજન ગુજરી જતું હોય તેનો અખંડ શોક પાળતો હોવો જોઈએ. એ બાજુમાં એક ગવૈયાજી રહેતા તે તો સમજતા કે નિરંજન કોઈ શીંગડાપૂછડા વગરનો પશુ છે, કારણ કે દરેક માણસ કંઈ નહીં તો 'બાથરૂમ સિંગર' (નાહવાની ઓરડીમાં ગાનારો) તો હોય જ હોય.

એટલે આજની રાતે આ ઓરડીમાં ખડખડ હાસ્ય તેમ જ તે પછીથી પેલી સરયુએ ગાયેલ અંગ્રેજી ગીતના ગુજરાતી સૂરો ઊઠેલા સાંભળીને એકબે પડોશીઓ આંટા મારી ગયા; ચિરાડમાંથી નજર પણ કરી જોઈ. તેઓ ખાતરી કરી શક્યા કે નિરંજન એકલો જ છે તથા તેનું ભેજું ઠેકાણે છે.

એકાએક નિરંજને ખડખડાટો રોક્યા. પોતાના હાસ્યમાંથી એક કરવત રચીને પોતે જાણે સરયુની ગરદન વાઢતો હોય એવું પોતાને ભાન થયું. સરયુની મનોમૂર્તિ પોતાની સામે ઊભી હતી. કંપતા એના હોઠ હતા ને ટપકતી એની આંખો હતી. એ જાણે કંઈક કહેતી હતી. એના સૂરમાં ધ્રુજારી હતી. એ શું કહેતી હતી? –

“કયા જન્મનું વૈર વાળી રહ્યા છો તમે? તમારી પાસે હું ક્યાં મુગ્ધ બનીને આવી હતી? મારા બાપની શરમે મેં ગાયું કર્યું તેમાં તમે શું આટલી રમૂજ કરો છો? મારા બાપની દયાજનક હાલતનો આવો લાભ લેવાય? તમને હું ન ગમી. તો કંઈ નહીં. ખેર ! પતી ગઈ વાત. હજુ તો હું તમારા જેવા અનેક જુવાનોની સામે એવું ને એવું કરીશ. જુવાનોની સામે જ શા માટે? – આધેડો અને વૃદ્ધો પણ જો ન્યાતમાં ખાલી પડ્યા હશે તો, જુવાનો ખૂટી ગયા બાદ, મારે એ આધેડો-વૃદ્ધોની પાસે પણ પરીક્ષા આપવી પડશે. તે તો હું આપ્યા કરીશ. એમાં તમને