પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
42
નિરંજન
 

શું? તમે શા માટે મલકાઓ છો? હું કંઈ જુવાનોને ઝંખતી કે શોધતી નથી. હું કોઈને શોધતી નથી. ભાગ્ય જ મને શોધતું ચાલ્યું આવતું હશે. જ્યાં લઈ જશે ત્યાં જઈશ. તમે છોને પરણજો સુનીલાને...!'

સરયુનો જે ચહેરો નિરંજને જોયો હતો, અથવા કહોને કે એને ફરજિયાત જોવો પડ્યો હતો, તે ચહેરો તો ધૃણાજનક હતો; તો પછી આ કલ્પનાની સરયુનો ચહેરો આટલો નમણો ક્યાંથી બની ગયો?

ને કલ્પનાની સરયુને મોંએ સુનીલાનું નામ ક્યાંથી? સુનીલાની જોડે પરણવાની વાત સરયુએ કેમ ઉચ્ચારી?

નિરંજન ફરી વાર હસ્યો. પણ આ વખતે એ પોતાની જાત ઉપર હસ્યો. કલ્પનામૂર્તિ સરયુ અને એ સરયુના બધા જ બોલ પોતાની ગુપ્ત મનોવાંછનાના જ આકારો હતા. પોતે પણ કેવો ગધેડો! સુનીલા જેવી કન્યા જોડે લગ્ન કરવાની શક્યતા પોતે શા ઉપરથી કલ્પી કાઢી? સુનીલાએ એવાં કયાં હેત પોતાના માથે ઢોળી નાખ્યાં હતાં? સુનીલા તો એક પ્રોફેસરની પુત્રી છે.

'પ્રોફેસરની પુત્રી' આ શબ્દોએ કશોક પવિત્ર ભાવ નિરંજનના હૃદયમાં વસાવી દીધો. એ હાઈસ્કૂલમાં હતો તે દિવસોથી જ એણે કૉલેજના પ્રોફેસરોને વિશે ગુલાબી સ્વપ્નો સેવ્યાં હતાં. પ્રોફેસર તો ગોખાવશે નહીં, વ્યાખ્યાનોની ધારાઓ વહાવશે; કશો વિનોદ કરશું તો વર્ગમાંથી કાઢી નહીં મૂકે પણ સામો વિનોદ છેડશે; એને ઘેર જશું તો પોતે ખુરસી પર બેસી અમને જાજમ પર નહીં બેસાડે પણ પોતાની સામેની જ ખુરસી પર બેસાડી ચા પાશે; ને બીડી પીતાં હશું તો બીડી પણ પાશે; બજારમાં શાક લેવા નહીં મોકલે; ક્રિકેટ-ટેનિસ આપણી સાથે જ ખેલશે; ક્લબમાં જમવા આવશે ત્યારે સહુની માફક જ શ્લોકો બોલશે: નાટ્યપ્રયોગમાં સહુની જોડે પાઠ લઈ ઊતરશે; અભ્યાસની મુશ્કેલીઓ પૂછવા જશું તો પોતાની છપાયેલી 'નોટ્સ' ખરીદવાનું નહીં સુચવે પણ વગર કંટાળે સમજૂતી આપશે; મિત્ર-શા મિલનસાર, ગુરુ-શા ગૌરવવંત, કવિ-શા કોમલ ને પિતા સમાં વત્સલ હશે.