પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મનની મૂર્તિઓ
43
 


માસ્તરો અને પ્રોફેસરો વચ્ચેનો કંઈક આવો ભેદ કલ્પતો નિરંજન કૉલેજમાં આવ્યો ત્યારે એને ન ધારેલો અનુભવ થયો હતો.

ચટક ચટક ચાલ્યે ચાલતા નમૂછિયા છોકરાઓને વ્યાખ્યાનપીઠ પર આવતા દેખી એના ભવ્યતાના ખ્યાલો મરી ગયા.

પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીની મશ્કરી કરનાર અથવા તો ગેંગે ફેંફેં થઈ ગભરાટમાં કશો ખુલાસો ન કરી શકનારા આચાર્યોએ એની આચાર્ય વિશેની ભાવનાને વિખેરી નાખી.

એકાદ પ્રોફેરને ઘેર જઈ જોયું તો પરીક્ષામાં પરીક્ષકો બનવાની ધમાલ, પગાર-વધારા, એલાવન્સ ઇત્યાદિની ગણતરીઓ કરતી ટોળી દીઠી.

જૂનાઓ હતા તેમને જમાઈઓ, ભાણેજો અને સાળા-બનેવીઓને ક્યાંક ને ક્યાંક પેસાડવાની તજવીજ કરતા જોયા. નવીનો પોતાની ચોપડીઓને પાઠ્યપુસ્તકોમાં પેસાડવા મચી પડ્યા હતા.સામસામી ખટપટો જામી પડી હતી.

પ્રોફેસર એટલે યુનિવર્સિટીના રાજપ્રપંચનું સોગઠું: કોઈ હાથી, કોઈ ઊંટ, કોઈ પ્યાદું.

એક વાર નિરંજનના વર્ગમાં કવિ બાયરનનું ‘ચાઇલ્ડ હેરોલ્ડ' (ભમતો પ્રવાસી) નામનું મહાકાવ્ય ચાલતું હતું. રોમના ભવ્ય ખંડેરોમાં ભમતો કવિ બાયરન, એ પાષાણેપાષાણના સૂતેલા આત્માઓને જગાડતો જગાડતો, રુદન, કટાક્ષ અને અહોભાવની ઊર્મિમાલા ચગાવતો એક અંધારી જગ્યા પર ઠેરી જાય છે. ત્યાં એને એક કલ્પના-દ્રશ્ય દેખાય છે. એક કાળી કેદ-કોટડી છે. એમાં એક બેડીબંધ બુઢ્‍ઢો છે. પાસે એક ભરયૌવના સ્ત્રી ઊભી છે. સ્ત્રીનાં દૂધ-ભરપૂર સ્તનોમાંથી ધારાઓ છૂટી રહી છે; ને બુઢ્‍ઢો બંદીવાન એ સ્તનોનું ધાવણ ધાવી રહેલ છે.

કોણ હતાં એ?

જુલમગાર રાજસત્તાએ પોતાના કોઈ વિરોધી વૃદ્ધને તુરંગમાં નાખી ભૂખે મારી નાખવાનો નિર્ણય કર્યો હતો. લાંઘણો ખેંચતા એ બુઢ્‍ઢાની