પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
46
નિરંજન
 

આછી વધેલી દાઢીઃ કુટિલો સંકોડે છે તેવી જાતના જરીકે નહીં એવા, ઊલટાના સહજ લબડતા હોઠ; ઝીણી પાતળી મૂછો; સ્થિર, કોઈ ગોખલામાં દીપકો બળતા હોય તેવી આંખો; ચપટું, ઊભું, સાંકડું માથું; માથા પર વાળનાં ગૂંચળાં.

મોં તો તદ્દન પરિચિત: સુનીલાનું જ મોં. સંધ્યાકાળના કોઈ ભર્યાભર્યા સરોવર સરખું: સહજ કમ્પાયમાન છતાં પ્રશાન્ત.

પોશાક શરીરને બંધબેસતો નહોતો. કપડાં અને અંગો જાણે પરસ્પર અકળાતાં હતાં. નેકટાઈની ગાંઠ સરખી નહોતી. શરીરશોભા પ્રત્યેની આ બેપરવાઈનો ખુલાસો એની આંખોમાં હતો. આંખો એકધ્યાન અને અંતરલીન હતી. આંખો કોઈક અતલ ઊંડાણોમાં કશુંક ગુમાવેલું ગોતતી હતી.

નિરંજન છબી નીરખતો હતો ત્યારે એના પર એક પડછાયો પડ્યો. એણે પાછળ નજર કરી. એ કાળી છાયા પેલા ક્લબના જુવાન સેક્રેટરીની જ હતી.

ટીખળ કરવાની આવી તકને જવા દઈને સેક્રેટરી ત્યાંથી ચુપચાપ ખસી ગયો.

નિરંજનને વિસ્મય લાગ્યું. પછી યાદ આવ્યું, એ તો આગલા દિવસની ગુંડાશાહીનો ચમત્કાર.

થોડી વાર પછી સેક્રેટરી પાછો દાખલ થયો. નિરંજન કોની છબી જોઈ રહેલ છે તે નક્કી કર્યું... પછી લાકડાના પાર્ટિશનની પેલી બાજુ લાઇબ્રેરિયનની ઓફિસ હતી ત્યાં ગયો. ધીરે સ્વરે લાઇબ્રેરિયનને પૂછી જોયું: “આ મહેરબાનને પ્રો. શ્યામસુંદરની તસવીરમાં અચાનક ક્યાંથી રસ ઊભરાઈ પડ્યો છે?”

નિરંજને આ સાંભળ્યું: લાઇબ્રેરિયનનો જવાબ સાંભળ્યો. એ જવાબ આ હતો: “એમાં શી નવાઈ છે? એવા બીજા વંદનીય વિદ્યાગુરુને છેલ્લાં દસ વર્ષોમાં કોઈ કૉલેજે દીઠા છે?"

પેલાનો વધુ જવાબ સંભળાયો નહીં. લાઇબ્રેરિયનનો એકલ