પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રો. શ્યામસુંદર
47
 

ઉદ્ગાર કાને પડ્યો: “કેટલી દુર્જનતા! મારા પૂજ્ય પ્રોફેસરની બદબોઈ કરવા આવ્યો !”

નિરંજન આતુર પગલે લાઇબ્રેરિયનની પાસે પહોંચ્યો, કહ્યું: “એક વિનંતી કરું?”

"કરોને!”

"પ્રો. શ્યામસુંદર વિશે તમે કશું જાણો છો?”

“એમનો તો હું પ્રિય વિદ્યાર્થી હતો; બધું જ જાણું છું.”

“મને કહેશો?”

“શું જાણવું છે?”

“એમનું મૃત્યુ આટલી જુવાન વયમાં કેમ થયું?”

"એમણે આપઘાત કરેલો.”

“આપઘાત!” નિરંજન ચમક્યો, “શા માટે?”

“એમનાં પત્નીની ઈર્ષાને લીધે.”

“પત્નીની ઈર્ષા?”

"હા. એના જેવી બીજી કોઈ ભયંકર ઈર્ષા નથી.”

"પણ શાની ઈર્ષા?”

“લેડી-સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થિનીઓ) બાબતમાં એનાં પત્નીને કોઈએ કાનભંભેરણી કરી હતી.”

“ઓ પ્રભુ! એ દેખાવડા હતા, ખરું? હોવા જ જોઈએ.” નિરંજનના મનમાં સુનીલાની સુંદરતા રમતી હતી.

“એમનું નામ કેમ જાણીતું નથી? એમણે કંઈ પુસ્તકો લખ્યાં છે?”

“એક પણ નહીં.”

“કેમ?"

“એ કહેતા કે મારું કર્તવ્ય જ્ઞાન ભેગું કરી કેવળ મારા વર્ગમાં જ ઠાલવી દેવાનું છે.”

“એમની કોઈ નોટ્સ?”

“એમની કોઈ નોટ્સ એમણે છપાવી નથી.”