પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝાંઝવાનાં જળ
49
 


જાણ્યા. વધુ જાણવા દિલ છે. ફરીથી આવું?”

"જરૂર આવો. ઘણી વાતો કહેવા જેવી છે.”

નિરંજનના અંતરમાં કોઈ રમ્ય તડકાછાંયા રમવા લાગ્યા. એના મનોભાવો નાનાં પારેવાંની માફક એના મનને ચબૂતરે ચણવા લાગ્યા.

કૉલેજનો ઘંટ થયો. ઘંટની ઘોષણાએ વિચાર-પારેવાંને ઉડાડી મૂક્યાં.

વર્ગ તરફ જતાં છેટેથી તેણે સુનીલાને દીઠી. પહેલાંની સુનીલા કરતાં પ્રોફેસર શ્યામસુંદરની વિદ્યાવારસ સુનીલા વધુ સુંદર લાગી: એ જ મુખરેખાઓ; એ જ સહેજ આગળપડતો હોઠ, એ જ વેશપરિધાન પ્રત્યેની સહેજ બેપરવાઈ; એ જ સંધ્યા-સરોવર-શી ગંભીરતા.

જરા ઊપડતે પગલે ચાલીને નિરંજન એની નજીક ગયો, કહ્યું: “દીવાનસાહેબને આટલું કહી દેશો? મને માફ કરે, હું નહીં આવી શકું.”

એક ક્ષણ સુનીલાએ ઊંચે જોયું. નિરંજને આશા રાખી કે હમણાં પૂછશેઃ “કેમ નહીં આવી શકો? આવોને !”

તેને બદલે સુનીલાએ કહ્યું: “વારુ, કહી દઈશ.”


10
ઝાંઝવાનાં જળ

તે દિવસનાં ત્રણેત્રણ લેકચરમાં નિરંજનનું દિલ બેધ્યાન રહ્યું. સુનીલાએ કંઈક પણ પૂછ્યું હોત? અરે, એટલું પણ કહ્યું હોત કે આવી શકાય તો આવજોને, તોપણ પોતે સરયુ અને સુનીલા જોડે મોટરમાં બેસીને મુંબઈનગરીને નિહાળવાની તક જવા દેતા નહીં. પણ આ તો પ્લેટફોર્મ પર આવી પહોંચ્યા પછી જ ફાસ્ટ ગાડી ચૂકી ગયા જેવું થયું.

પણ દુઃખ કંઈ એટલેથી જ અટકતું નહોતું. એની કલ્પનાએ દુઃખના