પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જીવ પાત્રાલેખન જેવું જ મેઘાણીની કલાનું મહત્ત્વનું તત્ત્વ એનું વાતાવરણ છે. ઘરગથ્થુ ટૂંકા જીવંત વાર્તાલાપ દ્વારા મેઘાણી જેમ એક તરફથી પાત્રના વ્યક્તિત્વને બહલાવી શકે છે તેમ બીજી તરફથી વાતાવરણના રંગોને પણ બહાર લાવી શકે છે. અને એમનાં વ્યક્તિઓનાં, સૌંદર્યના કે અભિનયના અથવા સ્થળનાં, સમયનાં કે પરિસ્થિતિનાં વર્ણનો એ વાતાવરણને આપણી કલ્પના પાસે પ્રત્યક્ષ કરવામાં ઓછો ભાગ નથી ભજવતાં. એ વર્ણનોનું ઘણું મોટું સામર્થ્ય વસ્યું છે એમની અભિનવ ઉપમાઓમાં. ઉપમાઓનું જેટલું વૈવિધ્ય, જેટલી અભિનવતા અને જેટલું સૌંદર્ય મેઘાણીમાં છે એટલું કદાચ આપણા કોઈ પણ નવલકથાકારમાં નહીં હોય. એ ઉપમાઓને લીધે ચિત્રો ખડાં થાય છે અને સ્થાનિક વાતાવરણનો રંગ જામે છે. આને પરિણામે મેઘાણીની નવલકથા વાંચી રહ્યા બાદ ચિત્ત જાણે અત્યારે નામશેષ થઈ ગયેલા કોઈ મધ્યયુગની અનુભવયાત્રા કરી આવ્યું હોય એવો ભાવ ધારી રહે છે અને ક્યાંય સુધી એની સ્મૃતિઓ અંતરમાં સળવળ્યા કરે છે.

મનસુખલાલ ઝવેરી