પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
50
નિરંજન
 

તાકા ને તાકા વણવા માંડ્યા. હવે પેલો દુષ્ટ તેઓને સહેલગાહ કરવા લઈ જશે. કોને ખબર, મોટરમાં એ હરામી ક્યાં બેસશે ! શોફરની બાજુએ બેઠક લેશે ? કે પાછલી બેઠકમાં ચડી બેસશે ? પેલી બંને યુવતીઓની જોડેની બેઠકમાં જ ઝુકાવશે તો ? પણ સુનીલા એને ત્યાં બેસવા નહીં આપે. પણ તો પછી એની દુષ્ટતા ક્યાં કમ છે ? એ કંઈ સુનીલાના કહેવા ન કહેવાની વાટ નહીં જુએ. એ તો વગર કહ્યે જ પડખામાં આસન લઈ લેશે. પછી કંઈ સુનીલા એને થોડી જ એમ કહેવાની છે કે મિસ્ટર, તમે સામે બેસો અથવા આગલી સીટમાં બેસો ? ને વળી સંભવ છે કે સરયુ મહેમાન હોવાથી એને જ સુનીલા જમણી ગમની પહેલી બેઠક આપશે, પોતે વચ્ચે બેસશે, ને આ પાપીને ત્રીજું સ્થાન મળી રહેશે.

ને પછી તો મોટરના વેગની વધઘટના આંચકા લાગતાં એકબીજાનાં શરીર વચ્ચે અંતર પણ શાનું રહેવાનું ? વાતો પણ શી શી થશે, ને શી નહીં થાય ? મારી બાબત પણ વાર્તાલાપમાં આવ્યા વગર થોડી રહેવાની છે ? પછી સરયુ-સુનીલાના કાનમાં મારા વિશે ભરીભરીને ઝેર રેડવાનો અવસર આ ભાઈસાહેબ થોડા ચૂકવાના છે ? ને ઝેર રેડવાની આવડત તો એનામાં કેટલી બધી છે ! અણુયે નહીં હોય ત્યાં એ મેરુ ઊભો કરશે. ટીપુંય નહીં હોય ત્યાં એ મુશળધાર પાણી વરસાવશે. એક કાંકરીમાંથી સહરાનું રણ સરજે તેવો એ જાદુગર છે !

પછી મારો બચાવ કરવા ક્યાં જવાનો છું ? સુનીલા ક્યાં મને પૂછવા આવવાની છે ? પૂછવા જેવું પ્રયોજન પણ શું છે ? ને મારે એવું કોઈ પ્રયોજન કલ્પવાનોય હક નથી જોઈતો. મને ફક્ત એટલું જ રહ્યા કરે છે, કે આ જગતમાં એકાદ માનવીના સારામાઠા અભિપ્રાયની ચિંતા મને થોડા સમયથી સતાવી રહી છે. કયા પ્રારબ્ધને જોરે એ માનવીનું સ્થાન સુનીલાએ લીધું છે તે તો નથી જાણતો. આ એક જ મુદ્દાને બાદ કરતાં મારી લવલેશ આકાંક્ષા નથી કે એ મારા જીવનમાં કશું નિકટનું આસન સ્વીકારે.