પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
52
નિરંજન
 
11
નવો તણખો

હાર નીકળતાંનીકળતાં ગુજરાતી ભાષાના પ્રોફેસરે નિરંજનને પ્રોફેસરોની બેઠકના ખંડમાં આવવા કહ્યું. નિરંજન ગયો.

"લો આ તમારી વાર્તા.” પ્રોફેસરે નિરંજનને પરબીડિયું પાછું આપ્યું. પણ હાથોહાથ ન આપ્યું; ટેબલ પર પટક્યું.

પરબીડિયા પર લાલ અક્ષરોથી લખેલું: “રિજેક્ટડ – નામંજૂર.”

નિરંજન નવાઈ પામ્યો. કૉલેજના ત્રૈમાસિક માટે મોકલેલી વાર્તા પાછી ફરી હતી.

"અને સાંભળજો –" નિરંજન પૂછે તે પહેલાં જ ગુજરાતીના પ્રોફેસરે આ નામંજૂર કર્યાનું કારણ પણ કહી નાખ્યું, "રાજદ્વારી વિષયો પર આવાં ઉગ્ર સરકાર-વિરોધી લખાણો ન લખતા. પ્રિન્સિપાલસાહેબને જાણ થશે તો તમારી 'કેરિયર’ ચૂંથાઈ જશે.”

વધુ કશી જ ચર્ચામાં ઊતરવું નિરર્થક હતું. નિરંજન એ નામંજૂર થયેલ વાર્તાને અંદરના ગજવામાં છુપાવી ચાલી નીકળ્યો, ઓરડી પર ગયો. કોમળ લાગણીઓની ગડમથલ એના ચિદાકાશમાંથી વીખરાઈ ગઈ. કોઈ અણદીઠ શક્તિએ ગોપવીને ભારી રાખેલા બળતા છાણામાંથી નવીન ધુમાડાની શેડ ઊઠી; તણખા ફૂટ્યા; ને છેવટે શિખા ચડી.

આ વાર્તા સરકાર-વિરોધી ! એક જન્મકેદીએ પાળેલા નોળિયાને જેલ-સુપરિન્ટેન્ડેન્ટના બાળક માટે લઈ લેવામાં આવ્યો, કેદી ઝૂરી ઝૂરી મર્યો, ને નોળિયાએ પણ માનવ-મિત્ર જતાં પાણીની ટાંકીમાં પ્રાણવિસર્જન કર્યું: એવા એવા માનવ-ભાવોને ઉકેલનારી વાર્તા જો સરકાર-વિરોધી ગણાતી હોય, તો તેના ઉપર 'કરિયર-કરિયર' નામથી કુટાતું આ કંગાલ, આદર્શભ્રષ્ટ કૉલેજજીવન ખતમ કરી, કોઈ ગાંધીની હાટડીએ ગુમાસ્તા બની, છાતી પર બેધડક રાષ્ટ્રધ્વજનો ચાંદ લટકાવવો જ બહેતર નથી શું ?