પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવો તણખો
53
 

રવિવાર સવારથી જ એ 'રસૂલ કેદીનો નોળિયો' નામની વાર્તા લઈ અંગ્રેજી ભાષાન્તર કરવા બેસી ગયો. એક પણ શબ્દને ફેરવ્યા વગર એણે આખી કથાને અંગ્રેજીમાં ઉતારી નાખી. સાંજ પડી ગઈ.

કૉલેજના પ્રિન્સિપાલ એક ગોરો છે, રાજનિષ્ઠ છે; કૉલેજની અંદર રાજદ્વારી આંદોલનની ગંધ સરખી પણ સાંખી શકતો નથી. જેલ જઈ આવેલા કે રાષ્ટ્રસંગ્રામમાં ભાગ લઈ આવેલા વિદ્યાર્થીઓને દાખલ કરવામાં એની કડકાઈ જાણીતી છે; એકબે જણાને રાષ્ટ્રસંગ્રામના દેખાવો કરવાના ગુનાસર એણે રૂખસદ આપી છે. સૌ માને છે કે એના જાસૂસો તરીકે કામ કરતા વિદ્યાર્થીઓની એક આખી જાળ કૉલેજની દુનિયા પર પથરાઈ ગઈ છે અને સામ્યવાદ, હિંસાવાદ વગેરે સળગતા સવાલો પર હાલતાં ને ચાલતાં ઉઘાડેછોગ બોલનારાઓ અંદરખાનેથી એ જાળમાં માછલાં પકડવા મથતા એના ગુપ્તચરો જ છે. એવી એવી કેટલીક માન્યતાઓ – સાચી કે ખોટી – કૉલેજના સંસાર પર એક શ્યામ વાદળી રચી રહી હતી.

એવા ડંખીલા, જિદ્દી અને સંશયશીલ મનાતા પ્રિન્સિપાલ જ કૉલેજ-મેગેઝિનના અંગ્રેજી વિભાગ પર દેખરેખ રાખતા. આ વાર્તા બારોબાર એમના હાથમાં જ જશે. પછી પોતાનું થનારું હો તે થાઓ. અત્યારની પામરતા તો એક કુત્તાની દશાનેય ચડિયાતી કહેવરાવનારી છે.

એણે વાર્તા પ્રિન્સિપાલ પર ટપાલ કરી – નામઠામ સહિત.

સોમવારે બપોરે ત્રૈમાસિક સંપાદન કરનાર ગુજરાતીના પ્રોફેસર ઉપર પ્રિન્સિપાલ તરફથી એ વાર્તા આવી પહોંચી. ઉપર આસમાની શાહીથી લખેલું હતું: “એક્સેપ્ટ: લેવાની.”

પ્રોફેસરે વાર્તાનું ને વાર્તાલેખકનું નામ વાંચ્યું. એનાં ભવાંની કમાનો તંગ બની ગઈ. પોતાની ભૂલ તો નથી થતીને તેની ખાતરી કરવા એણે ફરી વાર નામો વાંચ્યાં ને વાર્તા પણ વાંચી.

એ જ ક્ષણે પ્રોફેસર પ્રિન્સિપાલ પાસે દોડ્યા. વિદ્યાર્થીઓને દબડાવવામાં તેમ જ ઠઠે ઉડાડવામાં પાવરધા લેખાતા પ્રોફેસરે