પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
54
નિરંજન
 

પ્રિન્સિપાલની ઓફિસને બારણે જતાં મીની જેવાં હળવાં પગલાં ભર્યા, સ્પ્રિંગવાળાં બારણાંને જરીક ખોલ્યાં, “અંદર આવું, સાહેબ?” કહી વિનયભાવે રજા માગી. એ વિનય-સ્વરોમાં ધાક હતી.

“આવો.” જાણે ગુફામાથી સિંહ ગરજ્યો. “કેમ, શું છે?” પ્રિન્સિપાલના એ સાદા પ્રશ્નમાંય તુમાખી હતી.

"આપે–આપે-માફ કરજો, સાહેબ! આપે આ વાર્તા ઉપર નજર તો ફેરવી જ હશે.”

“નહીં, શબ્દશઃ વાંચી ગયો છું."

“તો પછી કંઈ ભૂલ... ના, ના, સરતચૂક તો નથી થઈને?”

“સરતચૂક? શાની સરતચૂક?”

"આ વાર્તા સરકાર-વિરોધી તો નથીને?"

“મારાથી પણ વધુ સરકારભક્ત હોવાનો દાવો ન કરો!” પ્રિન્સિપાલે મોં મલકાવ્યું.

"માફી માગું છું – પણ – પણ...”

“પણ પણ શું કરો છો? સ્પષ્ટ કહી નાખોને.”

“આ વાર્તામાં સરકારી જેલ ઉપર ધિક્કારનો ધ્વનિ છે.”

"મેં તમારા કરતાં વધુ સાહિત્ય વાંચ્યું છે. સરકાર-વિરોધી ધ્વનિને હું વધુ ત્વરાથી પકડી પાડું છું. 'ડોન્ટ યુ બી એ ફૂલ.' આ વાર્તાનો ધ્વનિ માનવતાનો છે. એની લેખનકલાએ મને રડાવ્યો છે. હવે શું કહેવું છે?”

"પણ સાહેબ, આ વાર્તા પાછળ એક ઇતિહાસ છે.”

“શો ઇતિહાસ?” પ્રિન્સિપાલ કશુંક કાવતરું સાંભળવા તત્પર થયા.

“એ મૂળ ગુજરાતીમાં લખાયેલી વાર્તા મારી પાસે આવેલી. મને એમાં રાજવિરોધી ગંધ આવી તેથી મેં એ પાછી કાઢી. આ એનું શબ્દશઃ ભાષાન્તર જ છે.”

"બસ?"