પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
56
નિરંજન
 


કર્યો છે તે તો આ છે, કે તમે અમને – બ્રિટિશરોને આત્મભ્રષ્ટ કર્યા, ભાવનાભ્રષ્ટ કર્યા, 'ડીજનરેટ' કર્યા. સારો અંગ્રેજ હિંદમાં શોધ્યો નથી જડતો એ પ્રતાપ તમારા છે.”

પ્રોફેસર થીજી ગયા...

“બસ, હવે તમે જઈ શકો છો.”


12
નવો વિજય

પ્રોફેસર ક્યારે સરકી ગયા તેનું ધ્યાન પ્રિન્સિપાલને ન રહ્યું. સિગારના તેમ જ વિચારના ધુમાડાએ એની અધમીંચી આંખોને આવરી લીધી હતી. એનામાં પુરાતન બ્રિટનનો પ્રાણ જાગતો હતો. કંઈક સદીઓનાં પડદા ભેદીને એ પ્રાણ ચાલ્યો આવતો હતો. એ પ્રાણના હાથમાં સમશેર, પગોમાં તૂટેલી બેડીઓના ટુકડા, ગળામાં ફાંસીની રસીનો ગાળિયો, ને મસ્તક પર જલદેવતાનો મુગટ હતો. એની છાતી ઉપર હતું સંસ્કારનું પુષ્પ. એ પુષ્પની પાંદડીઓ જાણે કે એક પછી એક વેરાતી હતી.

કેટલાં કેટલાં સમરાંગણો ખેલીને, કેટલી યાતનાઓની બરદાસ્ત કરતો કરતો એ પ્રજાપ્રાણ પોતાના એક નાના ફૂલને બચાવી ચાલ્યો આવતો હતો ! ગોરા પ્રિન્સિપાલના હૃદયમાં ભણકારા ઊઠતા હતા કે 'આપણો આત્મા ભાવનાભ્રષ્ટ થયો. એની સંસ્કારપાંદડીઓ ખરતી જાય છે. સદીઓની તવારીખ ઉપર આપણા આત્માનો ભૂકંપ કાળલીલા ખેલે છે. આપણને આત્મભ્રષ્ટ કર્યા – આ ગુલામ દેશનાં વિદ્યારત્નોએ. આપણી લશ્કરી બુરાકોએ કદી નથી કરી તેવી કતલ આ ભણેલા દેશીઓએ આપણી ભાવનાઓની કરી છે. આપણે સામ્રાજ્ય મેળવ્યું. પણ આત્માને વેચ્યો. ને આપણા દલાલો આ રહ્યા – જેઓ વિદ્યાલયો ચલાવે છે.'