પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
58
નિરંજન
 

મારી કેરિયર સળગાવી મૂકવાનો નિશ્ચય કર્યા પછી જ આ પગલું લીધું હતું. હું હમણાં જ પ્રિન્સિપાલ પાસે જાઉં છું.”

"નહીં નહીં,” પ્રોફેસરે નિરંજનનો હાથ ઝાલ્યો, “ન જતા.”

પ્રોફેસરને કુસ્તીમાં ચીત કરીને કેમ જાણે નિરંજન ચડી બેઠો હોય એવી ખુમારી એનામાં પ્રગટી ઊઠી. ચાર દિવસ પર પેલા દાદર પરના સંગ્રામે આપેલી ખુમારી તો આજની ખુમારી પાસે કંઈ હિસાબમાં ન રહી. એની આંખોમાં તિરસ્કાર અને ધૃણા ટપકવા લાગ્યાં.

“અને તમે – તમે લખેલાં પાઠ્યપુસ્તકો વડે આજે ગુજરાતનું યૌવન ઘડાય છે ! કેમ?” છેલ્લો ગોળીબાર કરીને નિરંજન ત્યાંથી ચાલ્યો ગયો.

કૉલેજના કારકુનોમાં એક રતનશા પારસી હતા. રતનશાની છીંકણીની દાબડી વિદ્યાર્થી આલમમાં માનીતી હતી. ચપટી ચપટી છીંકણી લઈને રતનશાનાં ગુલતાન માણનારા જુવાનો સારી સંખ્યામાં જડી આવતા. વિદ્યાર્થીઓમાં ખાસ કશું આંદોલન કરવાનો શોખ થઈ આવે ત્યારે રતનશા માથા પર અધેલા જેવડી કાળી ટોપી મૂકીને પરસાળમાં ચક્કર લગાવવા નીકળી પડતા, હાથમાં છીંકણીની દાબડી રાખતા અને જુવાનોનું ટોળું જ્યાં ઊભું હોય ત્યાં રસનું મધ્યબિંદુ બની જતા.

“સાહેબજી, બાવા! સાહેબજી!” કહીને આજે રતનશાએ પોતાની ચોગમ એક ટોળું રચાવી કાઢ્યું.

“કેમ રતનશા! શા નવીન છે તમારી ઑફિસના?” વિદ્યાર્થીઓની કૌતુકવૃત્તિના દીવડા પેટાતા હતા.

"હવે નવીનબવીનને જવા દોને બાવા ! નવીનમાં કાંઈ માલ નથી. આ જૂની મારી તપખીરની દાબડીનો રસ ઉડાવોને, મગજ તર કરી લેઓને, બાવા!”

એમ કહી રતનશા દાબડીને ટકોરા દઈ કૂંડાળે ફેરવવા લાગ્યા.

“પેલાને - તમારા પેલા બેવકૂફને – આખલાએ ઠીક સીધો કર્યો, યાર!"