પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવો વિજય
59
 


એ વાક્ય બોલતાંબોલતાં રતનશાએ ત્રણચાર વાર આગળપાછળો ને આજુબાજુ ત્રાંસી વાંકી આંખો કરી, વક્ર મોઢું રાખી મિચકારા માર્યા, પ્રિન્સિપાલને રતનશા રૂબરૂમાં ‘સર’ કહેતા, પછવાડે 'આખલો' નામે, ઓળખાવતા.

આવા મિચકારાની પાછળ મનોભાવ એ હોય છે કે દુનિયા દોંગાઈ વડે જ માણવા જેવી છે.

એમ તપખીર કરતાં પણ વધુ તીખું કુતૂહલ જગાડીને પછી રતનશાએ આગલા દિવસનો, પ્રિન્સિપાલ તથા ગુજરાતી પ્રોફેસર વચ્ચે બનેલો મામલો કહી સંભળાવ્યો અને પોતે બાજુની ઓફિસમાં બેઠાંબેઠાં એ મામલો સાંભળવા સારુ થઈને પાંચ મિનિટ સુધી પોતાની એક છીંકને કેવી રીતે દબાવી રાખી હતી તેની હોશિયારી ગાઈ.

જામગરી સળગાવીને એ ચાલ્યો ગયો. થોડી વારમાં તો નિરંજનની વાર્તા વિશેનો ઇતિહાસ આખી કૉલેજે જાણ્યો. સ્ત્રી-વિદ્યાર્થીઓમાં પણ વાત પ્રસરી ગઈ અને નિરંજનને પણ શી ઘટના બની ગઈ હતી તેનો પૂરો ચિતાર મળ્યો.

એક જ કલાકમાં નિરંજન વિદ્યાલયનો ‘વીર' બની ગયો. સહુ કોઈ એની જોડે હાથ મિલાવી શાબાશી આપવા લાગ્યા.

આ તમાશો નિરંજનને સુખ ન આપી શક્યો. એનું દિલ ડંખતું હતું. યુરોપિયનો તરફ એને પ્રેમ નહોતો. ગોરી ચામડીમાં મઢાયેલું પ્રિન્સિપાલનું તોછડું ભેજું એના અંતરની છૂપી હિંસાનો વિષય હતું. આગલે દિવસે ઊકળેલું પોતાનું લોહી એળે ગયું તેનો પણ એને ઓરતો હતો. તેમ જ આવો એક ગોરો પોતાની વાર્તાના કરુણ તત્ત્વથી દ્રવી પડે એ એને ન ગમે તેવું સત્ય હતું.

વળી અંતરમાં તો એને ભાન હતું કે આ બધી શાબાશીને પાત્ર હું શી રીતે? આ ધન્યવાદો ખરી રીતે તો પ્રિન્સિપાલ પર વરસવા જોઈએ. પણ એ પરદેશીને, એ રાજ કરતી સત્તાના પ્રતિનિધિને, આટલા બધા ખાનદાન તેમ જ ખેલાડી બનવાનો શો હક છે?