પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન


[પહેલી આવૃત્તિ]

આ વાર્તા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક સ્નેહીઓને પણ એ ગમી હતી.

આજે 'નિરંજન' પુસ્તકનો અવતાર પામે છે. એ નવા અવતારમાં વાર્તાની થોડીએક રેખાઓ સંપૂર્ણ પરિવર્તન પામી છે, તેટલું ન જણાવું તો વાચકોનો વિશ્વાસભંગ કર્યો કહેવાય. અસલ લખાણમાં નિરંજનને મેં સરયુ જોડેના લગ્નને પણ વિસર્જન દેતો આલેખ્યો હતો. આવો અંત નથી મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ બંધબેસતો, કે નથી વાર્તાની વસ્તુ-સંકલના જોડે મેળ ખાતો, એવો ઠપકો મને 'નિરંજન'માં ખૂબ બારીક રસ લેનારાઓએ આપ્યો: કેટલાકે લખીને અને કેટલાકે રૂબરૂ મળીને.

એ વસ્તુ મારા અંતરમાં મહિનાઓ સુધી ઘોળાતી રહી. મારી ભૂલ મને પણ હૈયે વસી. પરિણામ વાચકોની પાસે છેલ્લાં બે પ્રકરણોમાં રજૂ થાય છે.

'નિરંજન' લખ્યા અગાઉ લાંબી વાર્તાઓ બે લખી છે, પણ તેની પછવાડેની ભૂમિકા મને તૈયાર મળેલી. તદ્દન સ્વતંત્ર ભૂમિકા પર રચાયેલી આ મારી પહેલવહેલી નવલકથા છે.

આ તો કેવળ માહિતી આપું છું; એને પ્રથમ પ્રયાસ લેખાવીને વાચકોની દયા જન્માવવાનો બિલકુલ આશય નથી. વાચકોના ઊર્મિતંત્રની તેમ જ વિચારતંત્રની કડક તુલામાં જ 'નિરંજને' તોળાવાનું છે. એ જીવવાલાયક હોય તો જ જીવે.

અરધે પહોંચ્યા પછી સાંભળેલું હતું કે આ જ નામની એક ઉપન્યાસકથા મરાઠીમાં છે. મરાઠી 'નિરંજન’ મેં હજુ પણ જોયું નથી.

[5]