પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
64
નિરંજન
 


“પરંતુ,” ખાદીધારી વિદ્યાર્થીએ નીચે જોઈ રાખી ચોક્કસ છટાના હાવભાવ કરતે કરતે, ચીપી ચીપી લહેકાદાર શબ્દો કહ્યા: “પૂજ્ય બાપુજી તો એમ કહી રહ્યા છેને, કે –”

"હાં કે!” નિરંજન સહેજ હસ્યો. એનાં 'હાં' ઉચ્ચારમાં પેલાના લહેકાનું અનુકરણ હતું.

એ લહેકાની આટલી ઝડપી પકડ જોઈ, તેમ જ નિરંજન પણ રમૂજ કરી શકે છે તે નવીન જ વાત નિહાળીને, ત્યાં બેઠેલા હતા તે તમામ ખડખડાટ હસી પડ્યા.

આ ખાદીધારી જુવાન, ઉપરથી જેટલો સાધુપુરષ લાગતો હતો તેટલો જ એ ઉગ્ર બની ગયોઃ “આ શું? જગતના સર્વશ્રેષ્ઠ વંદનીય પુરુષની હાંસી કરો છો તમે? હિંદીઓ છો? ગુલામો –"

“તમે છેડાઈ ન પડો,” નિરંજને કહ્યું, “એમાં ગાંધીજીની હાંસી હતી જ નહીં. ને હોય તો ગાંધીજી પોતે પણ માણે એવી હળવી, ડંખ વગરની એ હાંસી હતી. મારો તો વાંધો એ છે કે સોશિયાલિસ્ટ જુવાનો વાત વાતમાં લેનિન કે માર્ક્સને ટાંકે છે તેમ આપણે વાતવાતમાં 'પૂજ્ય બાપુજી'નો હવાલો આપીએ છીએ. કાલે વળી જવાહરલાલનાં સૂત્રો ટાંકીશું. આ મનોદશા વિદ્યાપીઠની ન હોવી જોઈએ. કોઈ શું કહે છે તેનું શું કામ છે? એ ફાવે તે કહે. આપણે શું કહેવાનું છે? આપણે કશું કહેવાનું છે કે નહીં? આપણા મગજનાં તાળાં ઉઘાડવાની ચાવી આપણા ગજવામાં છે, કે વર્ધા-આશ્રમની ખીંટી ઉપર અથવા મોસ્કો નગરની સરકારી કચેરીના કોઈ ઝૂડામાં આપણે ટાંગી આવ્યા છીએ?”

નાની-શી ઓરડીમાં હવે જુવાનો સમાતા નહોતા. લગભગ અકેકના ખભા પર અકેક બીજો અવલંબી ઝૂકી રહ્યો હતો.

નિરંજને નિહાળીનિહાળી જોયું તો એ પચીસેક જુવાનો એકબીજાના ગળામાં અથવા કમરે હાથ રાખીને એક જીવતી માનવ-સાંકળી રચી રહ્યા હતા.

એ માનવ-સાંકળીએ નિરંજનની આંખોને જરાક ભીની કરી.