પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહની સાંકળી
65
 

માબાપોને દૂર ત્યજી અહીં પડેલા, માના મમતાભર્યા હાથની જાડી-પાતળી રોટીનો અભાવ મહારાજે રાંધેલાં બેત્રણ જાતનાં શાક-ચટણીમાંથી પૂરવા ફાંફાં મારતા, ચૂલામાં વધુ છાણાં ભરવાના વાંક બદલ પોતાની બાળપત્નીઓને માતાઓ મહેણાં દેતી હશે તેનું દુઃખ કલ્પનારા, પત્નીની એવી એવી ફરિયાદોથી ભરેલા પ્રેમપત્રો વાંચી અભ્યાસમાં વિક્ષેપ અનુભવનારા, એવા વિક્ષેપોને સિગારેટના ધુમાડા કે ચાના પ્યાલામાં ડુબાવવા પ્રયત્ન કરનારા – અરેરે, એવી તો કંઈ કંઈ કથી-અણકથી વેદનાઓને દિલમાં દફનાવી તે ઉપર કૃત્રિમ મોજમજાઓની કબર ચણનારા આ જુવાનો!

કેવા એકટશે સાંભળે છે! કેવા વિચારમગ્ન બને છે! કેટલાંકેટલાં વિચાર-તૂતોની હડફેટે ચડી આ જુવાનો અંદરખાનેથી આકુળવ્યાકુલ બની રહ્યા હશે!

આવી સુંદર માનવ-સામગ્રી: તેનો કોણ ભાવ પૂછશે? કોણ એનાં ચોસલાં ગોઠવીને એ નવયૌવનનું રાષ્ટ્ર-મંદિર ચણશે?

“ટપાલ આવી; ટપાલ આવી," એવો એક સાદ પડ્યો. સાંભળીને ટોળું પલકારામાં તો ઓગળી ગયું. માનવજીવનમાં પોસ્ટમૅન એક અદ્દભુતરંગી રોમાન્ટિક પાત્ર છે. બાલ, યુવાન કે વૃદ્ધને ટપાલ જેવો બીજો કોઈ નિત્ય નવલો રોમાન્સ નથી.

'મારીય ટપાલ આવી હશે,’ એ વિચારે નિરંજનને પણ ઉઠાડ્યો.

ઓરડી પર જઈ બારણું ખોલતાં જ એક કવર પડેલું. ઉપર લખ્યું હતું: “અશુભ છે.”