પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈની બહેન
67
 
સવારથી તાવ લાગુ પડ્યો. કોઈ કારમો કાળ જાણે કે ચડી આવ્યો. ચડ્યો તે ચડ્યો, ઊતર્યો જ નહીં. વૈદરાજની મૂલ્યવતી માત્રાઓ નિરર્થક ગઈ. સનેપાત ઊપડ્યો. તારું નામ લેતી હતી. સનેપાતમાં નિરુભાઈ! નિરુભાઈ! મને લઈ જાઓ!” એવું લવતી લવતી ઊઠી ઊઠી દોડવા જતી હતી.
હવે ભાઈ, એ બધું વીસરી જજે. એક રીતે સવળું થયું છે એમ વિચારી આશ્વાસન લેજે. આંહીં દોડ્યો આવીશ નહીં. આ મહિને મારાથી ખરચી મોકલી શકાઈ નથી. જેમ બને તેમ વેળાસર મોકલું છું.
લિ. પિતાના આશીર્વાદ
 

એક રીતે સવળું થયું છે એ વાક્યનો, શોકસાગરમાં ડૂબતા નિરંજનને પ્રથમ-પહેલાં તો આધાર મળી ગયો. થોડી વાર તો એના માથા પરથી કોઈ મોટી શિલા ઊતરી ગઈ. સ્વજનના મરી જવા સાથે આવી થોડીક રાહતની પળો તો સહુ કોઈ અનુભવતાં હોય છે.

પણ પછી તો ધીરે ધીરે ભરતીનાં પાણી ચડતાં થયાં. પાંચ મિનિટ પહેલાં રેવા હતી: પોતાની કલ્પનાભૂમિ ઉપર રક્તમાંસે છલકાતી, ઉલ્લાસની છોળોમાં નહાતી, દુનિયાને ડારતી, સુનીલાના પંજા જોડે પંજો મિલાવી, આંગળીઓના આંકડા ભીડી, આ આલેશાન નગરીમાં છૂટે ઓઢણે ને ઉઘાડે માથે ઘુમાયૂમ કરતી રેવા; ગ્રામજીવનના ઊંડા ગર્તમાંથી કોઈ અજગરોની લબલબ કરતી જીભોને ચુકાવી ચાલી આવેલી રેવા; ભાઈનું ભોજન રાંધતી. આગ્રહ કરી કરી પીરસતી, બિછાનું બિછાવી દૂધમાં ઝબોળ્યા જેવી ચાદર ઓછાડતી રેવા; અલકમલકની કાલીઘેલી વાતો ને ટોળટપ્પાં ચલાવી અધરાત સુધી ભાઈને ઊંઘવા ન દેતી રેવા; દેવકીગઢના ચકુ જમાદાર, રતન પંડ્યા અને પાર્વતીડોશીનાં ચાંદૂડિયાં પાડી હસાહસ કરતી રેવા –

એ રેવા પાંચ જ ઘડીમાં હતી – ન હતી થઈ ગઈ. ક્યાં ગઈ તેનો કાંઈ પત્તો નથી. પત્ર લખાય તેવો કોઈ મુકામ નથી. તેને પાછી લાવે તેવું કોઈ વાહન નથી.