પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
68
નિરંજન
 


આકાશના ગોખમાં કોઈક બે તારલાઓને જ શું એની આંખો કલ્પી લેવી? એ આંખો મને જોતી હશે? પટપટ પલકારા કરતો એકાદ તારો રેવાનું મોં તો નહીં હોય? બોલવાની જ્યાં મનાઈ છે એવા કોઈ મુલકમાંથી રેવા એના રત્નરંગી ચળકતા હોઠ ફફડાવીને મને કશુંક કહેવા-સંભળાવવા તો નથી મથી રહીને? આ ચાંદરણાં આજ પરોઢે ગુમ થયાં હતાં તે પાછાં અત્યારે ટમટમવા લાગ્યાં, તો પછી ચાલી ગયેલી રેવા શા માટે પાછી નથી આવતી? નહીં જ આવે? હું બહેનવિહોણો બન્યો? બહેન વિના હું કોનો ભાઈ? હું કોઈનો ભાઈ જ નહીં? મારે માટે કોઈ બહેન ભાઈબીજ નહીં રહે હવે? મારી કને કોઈ બહેન વીરપસલી માગવા નહીં આવે હવે? પોષી પૂનમની સમી સાંજે સાત વર્ષની રેવા નાની ચાનકી કરીને પોતાનો આખા દિવસનો ઉપવાસ ભાંગવાની રજા માગવા આવતી, રેવાને હું રજા નહોતો આપતો, ત્યારે એ કેવી કરગરી ઊઠતી! એ રેવા, આવડી મોટી થઈ ગયેલી રેવા, આમ કેમ નાસી ગઈ?

નિરંજન ખાટલા ઉપર ઢળી પડ્યો. ઓશીકા ઉપર એણે મોં દબાવી દીધું. એને ત્યાં રડતો છાનો રાખનાર કોઈ નહોતું; એ ખૂબ રડ્યો.

પાડોશીઓને આ પણ નવીન સ્વરો લાગ્યા. માન્યું કે કોઈક નવું ગાન સાંભળીને આવ્યો છે; હમણાં હમણાં શોખીન બનતો જાય છે; ગાતો હશે.

ખરેખર, એ ગાતો જ હતોને? ધ્રુસકે ધ્રુસકે એ 'બહેન' નામના વિષય પરનું કોઈ શબ્દાતીત ગાન ગાતો હતો. સાંભળનારાંઓના મનથી એ કોઈક નવા શીખેલા સૂરો ઘુંટતો હતો. ખરેખર, એ સ્વરો નવા હતા - નિરંજને પૂર્વે કદી નહોતા સાંભળ્યા, નહોતા કલ્પ્યા.

નાનાં હતાં ત્યારે ભાઈબહેન કેટલું લડલડ કરતાં! મોટી વયનો ભાઈ ઘરમાં પિતાને માતા ઉપર, માતાપિતા બેઉને પોતાના ઉપર તથા સ્કૂલમાં પિતાને પાંચસો છોકરાઓ ઉપર શાસન કરતાં દેખી શાસન કરવું એ કેમ જાણે પુરુષનો પ્રભુ-દીધો અધિકાર હોય તેવી ભાવના