પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈની બહેન
69
 

ધારણ કરીને રેવા ઉપર શાસન ચલાવતો.

પોતાને શાસન કરવાની ફરજ બજાવવા માટે જ જાણે કે પ્રભુએ રેવાને સરજી છે તેવી એની શ્રદ્ધા હતી. એમ ન હોય તો રેવાનો જન્મ જ શા સારુ થાય? – એ એના મનમાં ચાલતી દલીલ હતી.

રેવા પાસેનો કોઈપણ પાંચીકો, રેવાને જડેલ કોઈપણ ફૂટેલો કાચ, કે રેવાએ પાડોશીને ઘેરથી ચોરી આણેલું કોઈપણ રમકડું – એ બધાં ઉપર નાનો નિરંજન પોતાનો જ અગ્ર હક માની લેતો.

"નહીં રેવા, એ કાચ આમ લાવ. તને એ વાગી જાય.” – એમ કહી નિરંજન ખૂંચવી લેતો. રેવા રડતી રહેતી.

"ઘરનો જાલિમ પાછો શેરીમાં રેવાનો રક્ષક બનતો. રેવાને નાનપણમાં કોઈ નાની-શી વાત પર પણ ગામગોકીરો કરવાની ભારે આવડત હતી. બીજાને અડપલું કરી આવ્યા પછી બીજો કોઈ છોકરો હજુ તો એની ખબર લેવા એક કદમ પણ ન ચાલ્યો હોય ત્યાં તો રેવા રીડેરીડ મચાવી મૂકતી.

યુદ્ધની શરણાઈ-શો એ સ્વર સાંભળીને બાળ નિરંજન બહાર નીકળતો. શરીરે તો હતો ખડમાંકડી જેવો, પણ શા ઝનૂનથી એ રેવાને સતાવનાર પર તૂટી પડતો! ને રેવા કેવી પછવાડે ઊભી ઊભી લાગલગાટ ચીસો પાડતીપાડતી પેલા પ્રતિસ્પર્ધીની પીઠ પર ધબ્બા લગાવ્યે જતી!

એવી જોડી તૂટી પડી. નિરંજનને અધરાત પછી ખાતરી બેઠી કે રેવા એવે સ્થાને ગઈ છે કે જ્યાંથી પાછા ફરાતું નથી.

નિરંજનનું દિલ ઘર તરફ દોડવા લાગ્યું.

એક વાર તો ઘેર જઈ આવું – માબાપ ઝૂરતાં હશે. એક વાર જઈને પેલી અભરાઈ પર નજર કરી આવું, જ્યાં રેવાએ નાનપણમાં ભેગો કરેલો ખજાનો ડબલાં ભરીને મૂકેલ છે – ભાંગેલાં તાળાં, નાખી દીધેલાં મોતી, ફાનસનાં રદ્દી મોઢિયાં, રંગબેરંગી લૂગડાંના લીરા, ઉકરડા પરથી જડેલ ચપ્પુના હાથા, બંગડીના ટુકડા વગેરે બહુ બહુ ચીજો નાની રેવા વીણી લાવતી ને રંગેરંગની તથા ગોળ, ચોરસ આકારની ઢગલીઓ