પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
70
નિરંજન
 

જુદી પાડતી. આ રીતે રેવા પોતાની જાતે જ ઘરમાં બાળમંદિર ખડું કરતી. સંજવારી કાઢવામાં બાને વિપત પડતી તેથી બા રેવાને મારતાં, રેવાનો આખો 'ઉકરડો' ઘર બહાર ફેંકી દેતાં; ત્યાંથી પોતે ને રેવા છાનાંમાનાં પાછાં ઉપાડી આવતાં ને એના ડબા ગોઠવી પોતે પેલી અભરાઈ પર મૂકી દીધા હતા.

આજ સુધી એ ત્યાં પડ્યા છે. એને એક વાર જોઈ આવું.

પણ રેલભાડાના પૈસા નહોતા. પિતાજીના કેટલાક પિછાનદારો મુંબઈમાં હતા. ઘણાએક તો પિતાજીના નિશાળિયા હતા, ને અત્યારે લક્ષપતિઓ બની પેઢીઓ ચલાવતા હતા. નિરંજન તેઓને મળવા જતો ત્યારે તેઓ શ્રીપતરામ માસ્તરને 'અમારા ગુરુ' તરીકે ઓળખાવી અનેક સુંદર સ્મરણો વર્ણવતા. પણ એક વાર પિતાજી તરફથી ખરચી આવવામાં વાર લાગતાં નિરંજન આમાંના એકાદ-બે શિષ્યો પાસે વીસ રૂપિયા ઉછીના માગવા ગયો તે વેળા એને જવાબ મળ્યો હતો કે, “આપણો નાતો નાણાંની બાબતથી નિર્લેપ રહેશે તો જ લાંબો વખત ટકશે, નિરંજનભાઈ ! પૈસા તો મહા ઝેરવેરનું મૂળ છે. આપણા ઘરડા કહી ગયા છે ને, કે 'જર, જમીન ને જોરુ, ત્રણેય કજિયાનાં છોરુ' એ ખોટું નથી. માટે માઠું ન લગાડશો. આપણી વચ્ચે મીઠાશ સાચવવી હોય તો ઉછીઉધારનું નામ ન લેશો ભાઈ. હા, અમસ્તા મદદ લેખે જોતા હોય તો ખુશીથી લઈ જાજો !

“ના, ના, એમ તો ન જોઈએ.” નિરંજને જવાબ દીધો હતો.

“ના, એમાં કાંઈ વાંધો નથી, અમારે ત્યાં તો ધર્માદાખાતું રહે છે. મતલબ કે અમે આપીએ છીએ ત્યારે ગયા ગણીને જ આપીએ છીએ.”

આવા અનુભવ પછી પિતાજીના શિષ્યોની પાસે ફરીથી સગવડ માગવા જવા નિરંજન તૈયાર નહોતો.

પિતાજી રેવાના મૃત્યુના ખબરનો પોતાને એક તાર પણ ન કરી શક્યા એ પણ આર્થિક તંગીને જ કારણે ને ?