પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રણ રૂમાલ
73
 

સાદડી નહોતી ને ભોંય અતિ ઠંડી હતી.

"અરે કંઈ નહીં, લાવોને, આ છાપું પડેલું છે તેનાં આસન બનાવી લઈએ.” એમ કહેતી સુનીલા નિરંજનના લખવાની ટેબલ પર પહોંચી ગઈ ને ત્યાંથી એક છાપું લીધું.

નાના ટેબલ પર ખીચોખીચ બધી વસ્તુઓ ગોઠવી હતી. પણ તે ગોઠવણ કોઈ ફૂલોનો ગજરો ગૂંથનાર માળીને સ્મરાવનારી હતી. ભારણનો સાદો પથ્થર પણ એના સ્થાન બહાર નહોતો.

છાપું લેતાંલેતાં સુનીલાની નજર બ્લોટિંગ પેડ પરના ખુલ્લા કાગળ પર પડી. કોરા કાગળ ઉપર અક્ષરો નહોતા; લીલાં જલબિંદુઓ હતાં.

'કોઈ પ્રેમપત્ર હશે.' સુનીલાના દિલની આરપાર એક અનુમાન, આથમતી સંધ્યાના અંધકારમાંથી પક્ષી પસાર થઈ જાય તેટલી ઝડપથી, નીકળી ગયું.

પછવાડે જોયું તો એ કાગળ પર નિરંજન ચોપડી ઢાંકતો હતો.

સુનીલાની શંકા દ્રદઢ બની. આ માણસને જીવનમાં કંઈક ઢાંકોઢુંબો છે ને શું ?

બધાં ગોઠવાઈ ગયાં. નિરંજને ઊભાં ઊભાં જ કહ્યું: “કંઈ ખાસ?”

સુનીલા બોલી: “ખાસ તો એ કે આ ભાઈઓ અત્યારે મારે ત્યાં આવેલા. પરમ રોજ આઝાદી-દિન છે. દેશભરમાં ઊજવાશે. રાષ્ટ્રધ્વજનું વંદન થશે. તેઓ કહે છે કે આપણે કૉલેજમાં પણ કશુંક કરવું જોઈએ.”

“શું કરવું જોઈએ ?” નિરંજને પ્રશ્ન કર્યો, “પ્રિન્સિપાલ કંઈ કરવા દેશે ખરા ?”

"એટલે જ અમે સુનીલાબહેનને કહેવા આવ્યા હતા,” પેલા બેમાંથી એકે વાત ચલાવી, "કે લેડી-સ્ટુડન્ટ કંઈ કરશે તો પ્રિન્સિપાલ બહુ 'રૂડ એન્ડ રફ' (તોછડા) નહીં બની શકે.”

“હાં હાં, ને પછી આપણે?”

“આપણામાંથી અમે બે ચટણાઓને ઊભા કર્યા છે.”

“મહારાષ્ટ્રી ભાઈઓને ?” નિરંજને સૂચક રીતે પેલાઓની ભાષા