પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તણ રૂમાલ
77
 


"એ તમને યજ્ઞનું નાળિયેર બનાવી શકશે એવો અમારો ખયાલ હતો."

"તમારો ખયાલ સાચો પડો! તમારા મોંમાં સાકર! સુનીલા જ્યારે યજ્ઞ કરશે ત્યારે હું સુખેથી શ્રીફળ બનીશ, પણ અત્યારે તો સુનીલા પોતે જ હોળીમાં હોમાવા જાય છે."

"કોણે કહ્યું?" સુનીલા ઠંડે કલેજે હસી.

"આ ભાઈઓએ જ હમણાં કહ્યું."

"અમારો એવો ખયાલ હતો." પેલા માંયલો એક બોલ્યો.

"મને નવાઈ ઊપજે છે;" સુનીલાના હોઠ પર મર્મના રંગો ઊઘડબીડ ઊઘડબીડ થતા હતા, "તમે મિ. મહેતા!" બેમાંથી એકને તેણે કહ્યું, "તમારા પિતાજી દેશનું સોનું યુરોપ ચડાવે છે તેમાં તો એ કોઈ ખયાલો ઉપર નથી દોરવાતા. એ જ પિતાના પુત્ર થઈને તમે ખયાલ ઉપર જ તમારા કાર્યક્રમો રચો છો?"

"પણ સુનીલા," નિરંજને લાગ જોયો, "આ ક્યાં સોનું ચડાવવાની વાત છે? આ તો રાષ્ટ્રધ્વજનો ટુકડો ફરફરાવવાની વાત છે!"

"વારુ ત્યારે," કહીને બેઉ નિમંત્રકો ઊભા થયા, "જેવાં રાષ્ટ્રનાં પ્રારબ્ધ!"

"આપણે આડી વાતોએ જ ઊતરી ગયા;” બીજાએ ખયાલ કરાવ્યો.

"પત્યું, લો જય જય!" કહીને પેલા ચાલ્યા, "આવો છો કે, સુનીલા?"

"નહીં, એમને તો હવે હું જ મૂકી આવીશ." નિરંજને બારોબાર જવાબ દીધો.

"મૂકી આવો, કે..." કંઈક અસ્પષ્ટ બબડાટ કરતા બેઉ જણા ચાલી પરથી ઊતરી ગયા. થોડી વાર પછી તેઓની કાર, રાષ્ટ્રધ્વજની ત્રિરંગી તેજ-કલગી ઝલકાવતી ઊપડી ગઈ.