પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
78
નિરંજન
 
16
દીવાદાંડી

વાર્તાલાપ દરમિયાન આખો વખત એક માનવી અચલ-અબોલ બેઠું હતું. અરધા કપાળ સુધી સાડી ખેંચીને એણે પોતાના મોંને અણદીઠ રાખ્યું હતું.

"આ પોતે જ તમારાં બા?" નિરંજને એ શોકાળ વસ્ત્રોવાળી સ્ત્રી પ્રત્યે તાકીને સુનીલાને પૂછ્યું.

"હા. મેં કહ્યું, ચાલો સાથે. ઘેર એકલાં શું કરે? મૂંઝાય છે."

"હું સમજું છું."

નિરંજન જે સમજતો હતો તે બે વાતો હતી: એક સુનીલાનાં બાં એકલવાયાં મૂંઝાય તેવી એક પાપછાયા એમના આત્મા પર છવાઈ રહી હતી; ને બીજી વાત આ, કે બાની ચોકીદારી વગર સુનીલાથી રાતની વેળાએ એક અવિવાહિત અણપ્રીછ્યા જુવાનના ઓરડા પર જઈ શકાય એટલી બધી સહનશીલતા હજુ અહીંના સમાજમાં નહોતી આવી.

"સારું થયું કે સાથે લાવ્યાં. મારે મળવાનું બન્યું."

નિરંજનના એ શબ્દોમાં રહેલી દિલસોજી સુનીલાનાં બાને મન વિરલ હતી. કેમ કે જાણકારો ઘણુંખરું, એને ડાકણ જેવી ગણી એનો ઓછાયો સુધ્ધાં તજતા.

નિરંજને એ કરુણ મોં ફરી ફરીને નિહાળ્યું. એ મોં પર ઇર્ષાનાં હળ ખેડાયાં હતાં, વેદનાના ચાસ ઘણા ઊંડા ખોદાયા હતા. ડાહ્યા, તત્ત્વજ્ઞ અને સ્વસ્થ સુંદર ધણીને આત્મઘાતનું શરણું શોધવા મોકલનાર પત્ની પોતે શું ઓછી પીડાઈ હશે!

એ મોં નિરંજન જેવા જવાનોની જીવન-નૌકાઓને ચેતવણી આપનાર કોઈ દીવાદાંડી સમું દેખાયું. આ દીવાદાંડી સ્ત્રીઓની ઈર્ષાવૃત્તિના કાળા ખડકો ઉપર ઊભી હતી. એ ખડકોથી ભરેલો, દૂરથી દેખાવડો ને સોહામણો લાગતો ફરેબી ટાપુ દંપતી-પ્રેમનો હતો. એ ટાપુમાં