પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીવાદાંડી
79
 

વિશ્રામનું ધામ હશે સમજી અનેક વહાણો ત્યાં ઘસડાયાં છે ને અફળાઈ રસાતલમાં ગાયબ બન્યાં છે. લગ્નજીવનના એ ટાપુ ફરતા લીલાકુંજાર વેલા જીવન-નાવને અટવાવી નાખે છે. એ ગિરિમાળા પર ઊડતાં પક્ષીઓ જે કલરવ કરે છે તે તારા શરીરને ખાઈ જવાની લાલસાના સ્વરો છે, ઓ નાવિક ! ઓ યુવાન ! સુનીલાનાં માતાનું મોં દીવાદાંડીની ભાષામાં બોલતું કે 'અહીં અમારી નજીક ન આવીશ.'

"ત્યારે અમે હવે જઈએ;" સુનીલાએ રજા લીધી.

"હું તમને મૂકી જવા આવું છુંને ! ચાલો."

"ના, તમારી શી જરૂર છે? વળી તમારે હજુ કાગળ પણ લખવાનો હશે."

"કાગળ તો ટૂંકો જ લખવાનો છે ને હવે એ બધું સહેલાઈથી લખી શકાશે."

નિરંજને સુનીલા પાસેથી પ્રશ્નની આશા રાખી હતી, પણ એ કશું બોલી નહીં એટલે નિરંજન આપોઆપ આગળ વધ્યો. "મારા મનમાં એક મોટી શૂન્યતા પડી હતી, એક મોટું ગાબડું પડી ગયું હતું."

આ વાત પ્રત્યે સુનીલા લાપરવા રહી. છતાં પોતાનું દુઃખ સંભળાવવાનો લોભ નિરંજન જતો ન કરી શક્યો. "મારે એક બહેન હતી. એના મૃત્યુના સમાચાર આવ્યા છે."

સુનીલા ઊભી થઈ ગઈ હતી – ને સાંભળવાને ખાતર જ જાણે. સાંભળતી રહી. છતાં નિરંજન ન રહી શક્યો. "તમારા આવવા પછી, નથી સમજાતું શાથી, પણ એ શૂન્યતાનો ખાડો પુરાયો છે."

સુનીલા નીચું જોઈ ગઈ. એના જીવનમાં ભાઈભાંડું નહોતાં. ભણતાંભણતાં ભાઈબહેનના વિષય પર કોઈ કવિતા કે વાર્તા આવતી ત્યારે સુનીલાના હૃદયમાં કોઈ અકળ શૂન્યતાનું વેરાન હુહુકાર કરી મૂકતું. અત્યારે નિરંજન આ શબ્દો બોલ્યો ત્યારે એના હૃદયદ્વારમાં કોઈક જાણે ડોકાઈ હાઉકલો કરી ગયું; એકાંતમાં એક અણધાર્યો ભંગ પડ્યો. પણ એણે વધુ સાંભળવાને ઇંતેજારી મોં ઉપર વ્યક્ત જ ન કરી; ફક્ત વિવેકને