કમરપટામાં રિવોલ્વર હતી. બીજું કોઈ ત્યાં નહોતું.
વિદ્યાર્થીઓએ કરવા ધારેલ ધ્વજક્રિયાની વાત પ્રિન્સિપાલને કાને પહોંચી ગઈ હોવી જોઈએ. ચકલુંય ત્યાં ફરકતું નહોતું.
"પાછા ફરી જાઓ !" સાર્જન્ટે એક શહેનશાહની અદાથી ટૂંક શબ્દો સાથે લાંબી હાથ-ઇશારત કરી.
"શું છે? શા માટે? તમને ખબર નહીં હોય, પણ હું કશું..."
નિરંજને જાણ્યું કે સાર્જન્ટને સમજાવી શકાશે. પણ સાર્જન્ટની પોતાની સમજ સચોટ, અવિચલ અને ઈશ્વરદત્ત હતી. એના પ્રત્યેક બોલ પાછળ, પ્રત્યેક ચેષ્ટા પાછળ, પ્રત્યેક નિગાહ પાછળ પોણા બસો વર્ષની જૂની શાસનસત્તાનો પંજો હતો.
"બક બક નહીં, પાછા ફરો છો? સાવધાન – એક, બે, ત્રણ, ચાર..." ગોરો દસનો આંકડો ગણવા લાગ્યો.
બીતો બીતો પણ નિરંજન આગળ વધ્યો.
ગોરો નિરંજનને હડબડાવવા લાગ્યો. નિરંજને મિનારાની સીડી ચડતાં ચડતાં ગાન આરંભ્યું:
ચિરંતન કુમારી!
ઊભાં રો’
ન જાઓ!
ઓ બ્રહ્મા-દુલારી!
ન જાઓ!
ન જાઓ!
અહીં હંસ ખૂટ્યા
વીણા-તાર તૂટ્યા
હૃદય-કુંભ ફૂટ્યા
તથાપિ ન જાઓ!... ચિરંતન૦
સંગીતના સૂરોએ અને સાર્જન્ટના ડારા-દબડાટોએ સામેની હોસ્ટેલમાં ચુપચાપ બની ગયેલ વસ્તીને સચેત કરી નાખી. જુવાનો બહાર