પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિનારા પર
85
 

પટકાતો હતો. એના મોં પર સ્મિત ફરક્યું. એણે હાથ વતી કોઈકને વંદન કર્યાં. વિદ્યાર્થીઓના જૂથની પાછળથી એક પરિચિત અવાજ આવ્યો: “સાર્જન્ટ, તમે ખોટો માણસ પકડ્યો લાગે છે.”

બોલનાર તરફ જોવા વિદ્યાર્થીઓ પાછળ ફર્યા. એ પ્રિન્સિપાલ હતા ને એની સાથે સુનીલા હતી. પોતાના પિતાના સંબંધદાવે સુનીલા આજે પ્રભાતે પ્રિન્સિપાલને મળવાને બહાને આવી હતી.

એ આવી હતી નિરંજનનું તુચ્છ રોનક જોવા, પણ એણે અણધાર્યું દ્રશ્ય દીઠું.

“મિનારા પર જઈ જુઓ,” સાર્જન્ટે કહ્યું.

પ્રિન્સિપાલે સીડી ચડવા માંડી. પછવાડે ટોળું ચડ્યું.

“નિરંજન, તું!” પ્રિન્સિપાલને નવાઈ થઈ, “શું કરે છે?"

“ધ્વજ-પૂજન.”

"આ શાનો ધ્વજ?”

“વિદ્યાનો – સરસ્વતીનો.”

"ત્યારે તો સાર્જન્ટે પૂરી બેવકૂફી કરી; તમારે એને સમજાવવું જોઈતું હતું ને?”

“સમજાવવું!” સુનીલાએ હસીને ટૌકો પૂર્યો, “સાહેબ, તમારી કોમ સમજાવટથી પર છે.”

“વાહ રે, ડાહી દીકરી! વાહ! શાબાશ!” પ્રિન્સિપાલ હસ્યા.

સુનીલાની વીખરેલી લટો એની રાતીચોળ આંખોને ઢાંકી ઢાંકી પાછી ઊડતી હતી. આંખોની લાલપના ભડકા આડે લટો જાણે ધૂમ્રશિખાઓ હોય તેવું લાગતું હતું.

ધૂળમાં રોળાયેલો નિરંજન સીડી પર ચડ્યો. સહુએ સંકોચાઈને એને કેડી કરી આપી.

પાછળ સાર્જન્ટને ચડતો જોતાં સહુએ સીડીનો માર્ગ પૂરી નાખ્યો.

પ્રિન્સિપાલની મીટ ટોળા ઉપર રમતી હતી. ટોળામાં એણે ગુજરાતી, દક્ષિણી, પારસી તેમ જ ગોવાની જુવાનોને પણ જોયા. એ