પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વંટોળ
87
 


18
વંટોળ

જવાબ સાંભળીને કેટલાય છોકરા નાચી ઊઠ્યા. દરેક પોતપોતાની ઓરડીએ જલસો જમાવવાની ઇચ્છા દેખાડી નિરંજનને ખેંચવા લાગ્યો. પણ એમાંના એકે કહ્યું: “વધુ હક મારો છે.”

સુનીલાએ ને નિરંજને એની સામે નજર કરી ઓળખ્યો: તે દિવસે બાલ્કનીમાંથી સુનીલાની છાતી પર ઈંડું ફેંકનાર!

“ચાલો, એમની રૂમ પર.” સુનીલાએ સંમતિ આપી. દોડતો એ જુવાન પોતાની ઓરડી પર પહેલો પહોંચી ગયો.

મંડળી ત્યાં પહોંચી ત્યારે મેલાં કપડાંનો જથ્થો છુપાવી દેવાનાં તાજાં ચિહ્નો નજરે પડ્યાં. બીડી-સિગારેટનાં ખોખાં બારીના સળિયા વાટે પછવાડે ફેંકાયાં હતાં. બિછાનાની મેલી ચાદરો ને ગંધાતાં બાલાશિયાં ઉપર ઓઢવાની કામળો સિફતથી ઢાંકી દેવાઈ હતી. પાણીના માટલા પર ટુવાલ બિછાવાઈ ગયો હતો. ચોપડીઓ ને નોટબુકોની સરખી થપ્પી મુકાઈ ગઈ હતી.

એ ઝટપટ થયેલી ઉપરટપકેની ટાપટીપ જુવાનોના માનસમાં એક ઊંંડો ફેરફાર સૂચવતી હતી. સૌંદર્યનો પ્રાણ તેઓએ જાણે પારખ્યો હતો. સુંદરની સમીપે તેઓનું અસુંદર તત્ત્વ, પોતાની કદરૂપતા શરમાતાં હતાં. મનમાં ને મનમાં જુવાનો સુનીલાની સુંદરતા જોડે પોતપોતાની અસુંદરતાને સરખાવતા હતા. એના સાદા ઓળેલા કેશમાં રેશમની કુમાશ નહોતી છતાં સ્વચ્છતા તો હતી જ. એની સાડી પહેરવાની ઢબમાં કોઈ નવી છટા ન હોવા છતાં એક એવો ઢંગ હતો કે જુવાનોને પોતાના લેંઘા, ઝભ્ભા તેમ જ ધોતિયાં શરીર જોડે કલહ કરતાં જ ભાસે.

“પેલા બે ભાઈઓ કેમ દેખાતા નથી?” સુનીલાએ પેલી રાતે મળવા આવનારાઓને શોધવા આંખો દોડાવી.

“કોણ બે?”