પૃષ્ઠ:Nitya Manan.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગરીબ માણસ તારા જેવી દશામાં શું કરે તેનો વિચાર કર. તેની પત્ની મરી જાય તો તે બમણું કામ કરવા માંડશે. તે પણ ઈશ્વરનો જ ભક્ત છે. ઈશ્વરનું કામ કરવાથી જ અંતરનો આનંદ પેદા થાય છે. તેથી, આપણે આપણી જાતને ગરીબની દશામાં મૂકી દઈએ. તારા બહેરાપણાને ઈશ્વરની બક્ષિસ માન. એક ક્ષણ પણ ઈશ્વરનું કામ કર્યા વગર રહેવું એ તેની ચોરી છે એમ સમજ. અંદરનો કે બહારનો આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો હું જાણતો નથી.

આખો દિવસ કાંતવામાં અથવા તને ગમતા આશ્રમના કોઈ પણ મજૂરીના કામમાં ગાળવો અને સાથે રામનામનું રટણ કરવું એ તારે માટે એ દિવસ (૨૦મી) પાળવાનો સૌથી સારો રસ્તો છે.

(ગરીબોને ખવડાવવું) તદ્દન બિનજરૂરી છે. જેને ખરેખરી જરૂર હોય તેવાને જોઈએ તો ભલે કંઈક આપ.

૧૯-૧૦-’૪૪
 
१३