પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અશ્રુસંયમ.

(ગરબી.*[૧])


આંસુડાં શિદ ઢોળું સૂકા રાનમાં ?
રેડું ઉરમાં ઊંડી એ અમીરેલને;
ભીંજે ત્ય્હાં કંઇ વેલી અલૌકિક ભાવની,
ને કુસુમિત થઈ દિવ્ય રૂપની એ બને.
આંસુંડા શિદ ઢોળું૦ ૧

કે સૂકા રણમાંહિ કહિં કહિં નીરખું
સ્નેહી-ઉરકુંજો, ત્ય્હાં લહું વિશ્રાન્તિ જો;
ને એ કુંજ વિશે આંસું-અમીબિન્દુડાં
થોડાં થોડાં પાડી પામું શાન્તિ જો.
આંસુંડા શિદ ઢોળું૦ ૨

જીવન ભરિયું આંસુતણા અમીપૂરથી,
હૃદય હૃદય વ્હે રેલ ઘણી અશ્રુતણી;
મનુજબન્ધુનાં આંસુ કેરા સિન્ધુમાં
મુજ આંસુ તણી ઝીણી સેર જજો શમી !
આંસુંડા શિદ ઢોળું૦ ૩


  1. *ઑધવજી સંદશો કહેજો શ્યામને’ — એ ચાલ.